જલિયાંવાલા બાગ સ્મારકે બ્રિટિશ હાઇ કમિશનર અને રાહુલ ગાંધીએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ

જલિયાંવાલા બાગ સ્મારકે બ્રિટિશ હાઇ કમિશનર અને રાહુલ ગાંધીએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ
અમૃતસર, તા.13: ભારત ખાતેના બ્રિટિશ હાઈ કમિશનર ડોમિનિક એસ્ક્થે આજે અહીં જલિયાંવાલા બાગ રાષ્ટ્રીય સ્મારકની મુલાકાત લીધી હતી અને એકસો વર્ષ પહેલાં અહીંના આ ગ્રાઉન્ડમાં સામ્રાજ્યવાદી દળોએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ આપી હતી. સ્મારક ખાતે મુલાકાતીઓની બુકમાં તેમણે નોંધ્યું હતું કે `એકસો વર્ષ પહેલાં જલિયાંવાલા બાગમાંના બનાવો બ્રિટિશ - ભારતીય ઇતિહાસમાંના શર્મનાક પ્રકરણની ગવાહી સમું છે. તેમાં જે કંઈ બન્યું અને લોકોએ સહેવું પડયું તે બદલ અમે ગાઢપણે ખેદ અનુભવીએ છીએ. આજે યુકે અને ભારત 21મી સદીની સમૃદ્ધ હિસ્સેદારી વિકસાવવા પ્રતિબદ્ધ રહ્યા છે તે વાતે હું રાજી છું.' કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ય આજે આ સ્મારકની મુલાકાત લઈને હત્યાકાંડના શહીદોને અંજલિ આપી હતી. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી અમરીન્દરસિંહ અને મંત્રી નવજોતસિંહ સિદ્ધુ પણ ઉપસ્થિત હતા. રાહુલ ગાંધીએ વિઝિટર્સ બુકમાં નોંધ કરી હતી કે `સ્વાતંત્ર્ય માટે આપેલી કિંમત કદી ભુલાશે નહીં. તે મેળવવા પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરનાર ભારતવાસીઓને અમે સલામ કરીએ છીએ, જય હિન્દ.'
અંગ્રેજ દળોના એ નરસંહાર બદલ યુકે માફી પ્રગટ કરે તેવી પ્રબળ રહેલી માગણી વચ્ચે બ્રિટિશ પીએમ થેરેસા મેએ ખેદ પ્રગટ કરી અટકી ગયાં હતાં. તેને બ્રિટિશ ભારતીય ઇતિહાસ પરના શર્મનાક ઉઝરડા ગણાવી હતી પણ માફી વ્યક્ત કરવાથી દૂર રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer