વારાણસીમાં મોદી સામે પ્રિયંકાને મેદાનમાં ઉતારવાનો વ્યૂહ ?

વારાણસીમાં મોદી સામે પ્રિયંકાને મેદાનમાં ઉતારવાનો વ્યૂહ ?
વારાણસી, તા.13: દેશની સૌથી પ્રતિષ્ઠિત બેઠક બની છે, વારાણસી. કારણ કે, અહીંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં લડેલાં અને 2019માં લડવાના છે. ઉમેદવારી પત્ર ભરવું બાકી છે અને અત્યારથી જ એમની સામે ઘણા ઉમેદવારો જંગમાં ઉતર્યા છે. હવે મુકાબલો રોચક બંને એવી શકયતા છે કારણ કે, કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી મોદી સામે લડે એવી શકયતા છે.
પ્રિયંકા ગાંધી કોંગ્રેસના મહામંત્રી છે અને એ ચૂંટણીમાં ઝંપલાવશે કે કેમ એ મુદ્દે ઘણા સમયથી ચર્ચા છે. એ પણ સૂચક છે કે પ્રિયંકા ગાંધી મોદીનો મત વિસ્તાર છે એ પ્રદેશમાં જ વધુ પ્રચાર કરી રહ્યા છે. યુ.પી. બહાર પ્રચાર કરવા ગયા નથી અને હવે એ મોદી સામે લડવા તૈયાર છે એવા અહેવાલો આવી રહ્યા છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી આ માટે તૈયાર છે ? એ સ્પષ્ટ નથી. કોંગ્રેસ આ મુદ્દે કોઇ જાહેરાત કરે એના પર મિટ છે.
મોદીની ટક્કરમાં પૂર્વ જવાન, 111 ખેડૂતો અને એક પૂર્વ જજ પણ મેદાનમાં છે. 2014ની ચૂંટણીમાં મોદીની અહીંથી પ્રચંડ બહુમતિ સાથે જીત થઈ હતી. તે વખતે અરાવિંદ કેજરીવાલે ચર્ચા જગાવી હતી પરંતુ હવે અનેક નવા અનોખા ઉમેદવારોએ ચર્ચા જગાવી છે. તમિલનાડુના ખેડૂતોથી લઈને નોકરીમાંથી કાઢી મુકાયેલા લોકો પણ મેદાનમાં છે. બીજી બાજુ હવે એવું પણ જાણવા મળ્યું છે કે કોંગ્રેસ તરફથી આ બેઠક પર પ્રિયંકા ગાંધી વાઢેરાને મેદાનમાં ઉતારવાની હિલચાલ ચાલી રહી છે. પ્રિયંકા હાલમાં જ રાજનીતિમાં સક્રિય રીતે સામેલ થયા છે અને પ્રથમ વખત ચુંટણી મેદાનમાં છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer