ઘણા દેશો ભારતનાં મિસાઈલો ખરીદવા ઇચ્છુક : સંરક્ષણપ્રધાન

ઘણા દેશો ભારતનાં મિસાઈલો ખરીદવા ઇચ્છુક : સંરક્ષણપ્રધાન
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 13 : સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે, ઘણા દેશોએ ભારતનાં મિસાઈલો ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ભારત પાસે સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનોનું વેચાણ કરવા પૂરતી નિકાસ ક્ષમતા છે.
ભારત સતત સંરક્ષણ બાબતમાં પોતાની તાકાત વધારી રહ્યું છે અને ભારત સરકાર `મેઇક ઇન ઇન્ડિયા' હેઠળ સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનો પર ઝડપથી કામ કરી રહી છે. ભારતના તેજ તર્રાર સ્વદેશી મિસાઈલો પર દુનિયાની નજર છે.
વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનના કાર્યક્રમમાં સીતારમણે જણાવ્યું હતું કે, આજે ઘણા દેશોમાં ભારતના મિસાઈલોની માગ થઈ રહી છે. આપણી પાસે સશસત્ર દળો ઉપરાંત પણ એક બજાર મોજૂદ છે જે ભારતના સ્વદેશી ઉત્પાદનો ખરીદવા ઈચ્છુક છે.
ઘણા દેશો ભારત પાસેથી અનેક પ્રકારનાં શસત્રો ખરીદવા ઈચ્છુક છે ભારત પાસે આવાં વેચાણની અપાર સંભાવનાઓ છે. ભારત પાસે સબમરીન નિર્માણ કરવાની પણ ક્ષમતા છે. દુનિયા ભારતની આ ક્ષમતાને સારી રીતે જાણે છે. આ દેશો પણ ભારત પાસેથી આ બાબતમાં મદદ માગી રહ્યા છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer