પુલ, સ્કાયવૉકની માહિતી નાગરિકોને મળશે?

પુલ, સ્કાયવૉકની માહિતી નાગરિકોને મળશે?
મુંબઈ, તા. 13 : મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) પાસેના હિમાલય પુલ દુર્ઘટના બાદ નાગરિકો પુલ પરથી પસાર થતા ગભરાય છે. એટલે પુલ ક્યારે બાંધ્યો, કેટલી વાર સમારકામ કર્યું, પુલની પરિસ્થિતિની સવિસ્તર માહિતી વગેરે બોર્ડ પર પ્રસિદ્ધ કરવાનો આગ્રહ શિવસેનાએ કર્યો છે અને પાલિકાએ સ્વીકાર્યો પણ છે. હવેથી નાગરિકોને પુલની માહિતી મળી રહેશે. 
મુંબઈ શહેરમાં અનેક પાદચારી પુલો, ઉડાણપુલ અને સ્કાયવૉક જોખમી થઈ ગયા છે. પરંતુ આ પુલ ક્યારે બાંધવામાં આવ્યા, કેટલી વાર સમારકામ કર્યું વગેરેની માહિતી તાત્કાલિક ઉપલબ્ધ થતી નથી. એટલે શહેર અને પરાંના બધા જ ઉડાણપુલ, પાદચારી પુલ, સ્કાયવૉક ક્યારે અને કોણે બાંધ્યા, માલિક અને પ્રાધિકરણનું નામ, બાંધકામ કરનારી કંપનીનુ નામ, ખર્ચ, સંપર્ક નંબર વગેરેની સવિસ્તર માહિતી આપતું બોર્ડ લગાડવું જોઈએ તેવી માગણી શિવસેનાનાં નગરસેવિકા શીતલ મ્હાત્રેએ કરી હતી. 
નાગરિકોની સગવડ માટે મુંબઈ મહાનગરપાલિકાની હદમાં અનેક જગ્યાએ પાદચારી પુલ, પશ્ચિમ અને મધ્ય રેલવે માર્ગ પરના પુલ, ઉડાણપુલ, સ્કાયવૉક બાંધવામાં આવ્યા છે. આમા કેટલાક પુલ અંગ્રેજોના સમયના છે. કેટલાક જોખમી અને જૂના થઈ ગયા છે. કેટલાક પુલોનું નાનું-મોટું સમારકામ કરવાની જરૂર છે. પુલ પાસે તેને લગતી કોઈ માહિતી આપવામાં ન આવી હોવાથી પુલ કેટલો જૂનો છે, સમારકામની કેટલી જરૂર છે, સ્ટ્રક્ચરલ અૉડિટ થયું છે કે નહીં તેની માહિતી મળતી નથી. એટલે પુલનું સમારકામ ક્યારે અને કઈ રીતે કરવું તેની માહિતી મળતી નથી તે તરફ મ્હાત્રેએ ધ્યાન દોર્યુ હતું. એટલે પાલિકાના પુલ વિભાગે તાત્કાલિક સવિસ્તર માહિતી આપતા બોર્ડ લગાડવાની માન્યતા આપી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer