મુખ્ય પ્રધાનનો રાજ ઠાકરેને ટોણો

મુખ્ય પ્રધાનનો રાજ ઠાકરેને ટોણો
અશોક ચવ્હાણ પ્રચાર માટે ભાડૂતી નેતા લાવ્યા

મુંબઈ, તા. 13 : કૉંગ્રેસના નેતા અશોક ચવ્હાણે પ્રચાર માટે ભાડૂતી નેતા લાવ્યા એમ કહીને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરેની ટીકા હતી. ગઈકાલે રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર કૉંગ્રેસના વડા અશોક ચવ્હાણના સમર્થનમાં નાંદેડમાં જાહેરસભા સંબોધી હતી. એની ટીકા મુખ્ય પ્રધાને કરી હતી. રાજ ઠાકરેએ એવો આક્ષેપ કર્યો હતો કે મુખ્ય પ્રધાને મહારાષ્ટ્રનું પાણી ગુજરાતને વાળવાનો દાવ ખેલ્યો છે.
દેવેન્દ્ર ફડણવીસે નાંદેડના ભોકર ખાતે સભા સંબોધતાં કહ્યું હતું કે રાજ ઠાકરે મારા પર એવો આક્ષેપ કરે છે કે મેં મહારાષ્ટ્રનું પાણી ગુજરાતને આપ્યું. આનો કરાર તો તત્કાલીન મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે કર્યો હતો અને મેં તેને રદ કર્યો હતો. અશોકરાવ, તમે સત્તામાં હતા ત્યારે નાંદેડને કેટલાં નાણાં આપ્યા? અમે 2226 કરોડ રૂપિયા ખેડૂતોને આપ્યા છે એ તમે કેમ ભૂલી જાવ છો. ખેડૂતોની અવસ્થા ખરાબ છે એટલે જ મોદી સરકારે તેમને 60 વર્ષ પછી પેન્શન આપવાની ઘોષણા કરી છે. આવું પેન્શન આપનાર ભારત પ્રથમ રાષ્ટ્ર હશે. રાહુલ ગાંધી `ગરીબી હટાવો'નો નારો આપે છે, પરંતુ આટલાં વર્ષો પછી પણ આવી ઘોષણા કરતાં તેમને શરમ આવતી નથી!
મુખ્ય પ્રધાન ભાજપના ઉમેદવાર પ્રતાપ પાટીલ ચીખલીકર માટે પ્રચાર કરી રહ્યાં હતા. રાજનૈતિક ફટકાબાજી કરતા તેઓએ કહ્યું હતું કે કેટલાક સમય અગાઉ અશોક ચૌહાણ પોતે રાજ ઠાકરેને દેડકો કહીને સંબોધિ રહ્યા હતા. આજે તેઓએ આ જ વ્યક્તિને પ્રચાર માટે બોલાવવો પડે છે. ઉલ્લેખનીય છે કે નાંદેડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દુકાળ જેવી પરિસ્થિતિ છે.  આથી અહીં સરકારની મદદ ની લોકોને ખૂબ અપેક્ષા છે. મુખ્ય પ્રધાનએ દાવો કર્યો હતો કે અશોક ચૌહાણ જ્યારે મુખ્ય પ્રધાન હતા તે સમયે આ જિલ્લામાં પાંચસો કરોડ રૂપિયાની મદદ પહોંચાડવામાં આવી હતી. જ્યારે કે ભારતીય જનતા પાર્ટી ની સરકારે 2226 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યા છે. 
નોંધ કરવા લાયક બાબત એ છે કે શિવસેના અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જોડાણ થયા પછી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના આ વખતે ભાજપની વિરોધમાં મેદાને પડ્યું છે.  ગત ચૂંટણીમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું હતું. પરંતુ આ વખતે તેઓ મરાઠી મતદાતાઓને નરેન્દ્ર મોદી ની વિરૂદ્ધમાં મત આપવાની અપીલ કરી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer