અમ્પાયરો માટે પણ બને નિયમ

અમ્પાયરો માટે પણ બને નિયમ
નો બોલ વિવાદમાં બીસીસીઆઈ કોષાધ્યક્ષે કહ્યું અમ્પાયરને ખોટા નિર્ણય માટે દંડ થવો જોઈએ

નવી દિલ્હી, તા. 13 : ચૈન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંધ ધોની ઉપર આઈપીએલમાં અમ્યાયર સાથે અયોગ્ય વ્યવહાર માટે મેચ ફીના 50 ટકાનો દંડ લાગ્યો છે. રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલા મેચની છેલ્લી ઓવરમાં સ્ટોક્સના એક ફૂલટોસ બોલને નો બોલ ન આપવાના કારણે ધોની અમ્પાયરો ઉપર ભડકી ગયો હતો અને ડગઆઉટમાંથી મેદાનમાં દોડી આવ્યો હતો. આ વિવાદમાં હવે બીસીસીઆઈના કોષાધ્યક્ષે પોતાનો મત આપતા કહ્યું હતું કે, ખેલાડીઓની જેમ અમ્પાયરો માટે પણ નિયમ હોવા જોઈએ. 
આઈપીએલમાં સૌથી મોટી સમસ્યા અમ્પાયરોના ખોટા નિર્ણયોના કારણે થતો વિવાદ છે. આ મામલે બીસીસીઆઈના કોષાધ્યક્ષ અનિરુદ્ધ ચૌધરીએ કહ્યું હતું કે, આ એક એવી પરિસ્થિતિ છે જ્યાં ખેલાડીઓ સાથે અમ્પાયરો ઉપર પણ નિયમો હોવા જોઈએ. જ્યારે ધોની મેદાનમાં આવ્યો ત્યારે તેને પણ ખ્યાલ હશે કે આવી પ્રતિક્રિયા માટે દંડ થઈ શકે છે અને આ સ્પષ્ટ રીતે નિયમોનો ભંગ છે. અહિંયા જ મુદ્દા ઉપર પૂર્ણવિરામ લાગે છે. ચૌધરીએ કહ્યું હતું કે, નિયમોના ઉલ્લંઘન માટે સજા અપાય તો તેમાં ઘણી બાબતો ઉપર ધ્યાન દેવામાં આવે છે. જેમાં જુનો રેકોર્ડ અને વર્તમાન પરિસ્થિતિ પણ સામેલ છે. તેવામાં હવે સ્પષ્ટ રીતે  લાગી રહ્યું છે કે મેદાન ઉપર અમ્પાયરના નિર્ણય હોય કે થર્ડ અમ્પાયરનો નિર્ણય. તેમાં નિરંતરતા રાખવા માટે કમર કસવાની જરૂર છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer