બટલરે માત્ર 43 બોલમાં 89 રન ફટકારી રાજસ્થાનને મુંબઈ સામે જીત અપાવી

બટલરે માત્ર 43 બોલમાં 89 રન ફટકારી રાજસ્થાનને મુંબઈ સામે જીત અપાવી
મુંબઈ ઈન્ડિયન્સની ચાર વિકેટે હાર

મુંબઇ, તા. 13 : અહીં ખેલાયેલા આઇપીએલના 27મા મુકાબલામાં શનિવારે જોશ બટલરની વિસ્ફોટક બેટિંગનાં બળે મુંબઇ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવી, રાજસ્થાન રોયલ્સે સિઝનમાં બીજી વખત વિજયનો સ્વાદ ચાખ્યો હતો.
મુંબઇએ આપેલું 189 રનનું લક્ષ્ય 3 દડા બાકી હતા ત્યારે જ આંબી લેનાર રોયલ્સવતી પ્રભાવશાળી પ્રદર્શન કરતાં બટલરે માત્ર 43 દડામાં 8 ચોગ્ગા, 7 ગગનચૂંબી છગ્ગા સાથે 89 રન ફટકારીને હરીફ છાવણીમાં સોપો પાડી દીધો હતો.
સુકાની આજિંકય રહાણેએ પણ 21 દડામાં 6 ચોગ્ગા, 1 છગ્ગા સાથે 37, સેમસને 26 દડામાં 2 ચોગ્ગા, 1 છગ્ગા સાથે 31 રન કર્યા હતા.
અગાઉ, રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ પર કળશ ઢોળતાં મેદાન પર ઊતરેલી મુંબઇ ઇંડિયન્સે કિવન્ટન ડિ'કોકની ઝંઝાવતી પોણી સદીના સથવારે 20 ઓવરમાં પાંચ વિકેટે 187 રન કર્યા હતા.
સુકાની રોહિત શર્મા અને ડિ'કોકની જોડીએ પહેલી વિકેટ માટે 96 રનની ભાગીદારી નોંધાવતાં દાવનો મજબૂત પાયો
નાખ્યો હતો.
ડિ'કોકે બાવન દડામાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 81 રન ફટકારી દીધા હતા. સામો છેડો સાચવતાં માત્ર ત્રણ રન માટે અર્ધસદી ચૂકી ગયેલા સુકાની શર્માએ 32 દડામાં છ ચોગ્ગા, 1 છગ્ગા સાથે 47 રન ઝૂડી કાઢયા હતા.
અણનમ રહેલા હાર્દિક પંડયાએ ઉપયોગી યોગદાન આપતાં 11 દડામાં 28 રન ઉમેર્યા હતા. ટૂંકાગાળા સુધી ક્રિઝ પર રહેવા દરમ્યાન હાર્દિકે એક ચોગ્ગા સાથે 3 છગ્ગા ફટકાર્યા હતા.
રોહિત શર્મા આર્થરના દડામાં બટકારને કેચ આપી બેસતાં ત્રણ રન માટે અર્ધસદી ચૂકી ગયો હતો. સૂર્યકુમાર યાદવે 10 દડામાં 1 ચોગ્ગા સાથે 16 રન કર્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer