માસ્ટર્સ ડિગ્રી વિના રાહુલે એમ.ફિલ કર્યું : જેટલી

ઈરાનીની શૈક્ષણિક લાયકાત ઉપર કૉંગ્રેસના પ્રહાર બાદ જેટલીનો બ્લૉગ મારફતે પલટવાર

નવી દિલ્હી, તા. 13 : નાણામંત્રી અરુણ જેટલીએ સ્મૃતિ ઈરાનીની શૈક્ષણિક લાયકાત ઉપર સવાલ ઉઠાવવા બદલ કોંગ્રેસ અને તેના પ્રમુખ રાહુલ ગાંધી ઉપર શાબ્દિક પ્રહાર કર્યા છે. જેટલીએ ફેસબૂક ઉપર પોતાના બ્લોગમાં કહ્યું હતું કે, કોંગ્રેસ ભૂલી ગયો છે કે ગાંધીની શૈક્ષણિક લાયકની એક સાર્વજનિક તપાસથી ઘણા પ્રશ્ન ઉઠી શકે છે. વધુમાં કોંગ્રેસ અધ્યક્ષે કોઈપણ માસ્ટર્સ ડિગ્રી વિના જ એમ.ફિલ. કરી લીધું હોવાનો આરોપ જેટલીએ મુક્યો હતો.
જેટલીએ ફેસબૂક ઉપર લખ્યું હતું કે, ભાજપના ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ઉપર સવાલ ઉઠાવનારા ભૂલી ગયા  છે કે રાહુલ ગાંધીની શૈક્ષણિક શાખની માત્ર એક સાર્વજનિક તપાસથી ઘણા બધા સવાલ ઉઠી શકે છે. જેણે કોઈપણ માસ્ટર્સ ડિગ્રી વિના એમ.ફિલ પૂરૂ કર્યું છે. આ અગાઉ ભાજપના સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામીએ આરોપ મુક્યો હતો કે રાહુલનું કેમ્બ્રિજ સર્ટિફિકેટ કહે છે કે તેમનું નામ રાહુલ વિંસી છે અને એફ.ફિલ કર્યું છે. તેમજ નેશનલ ઈકોનોમિક પ્લાનિંગ એન્ડ પોલિસીમાં ફેલ છે. સ્વામીએ આ સાથે કેમ્બ્રિજ યુનિ.નું એક સર્ટિફીકેટ પણ શેર કર્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer