ગુજરાતમાં 40-42 ડિગ્રી ગરમી વચ્ચે સાપુતારામાં કમોસમી વરસાદ

રાજકોટ-અમરેલી-સુરત-પાટણ-ગાંધીનગર સહિતના વિસ્તારોમાં બે દિવસ માવઠાંની શક્યતા

અમદાવાદ, તા.13 : ગુજરાતના કેટલાક ભાગોમાં આજે ભરઉનાળે હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદી ઝાપટા પડી ગયા હતા. હવામાન વિભાગથી હજુ પણ વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. 
આજે સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. હવામાન વિભાગનું કહેવું છે કે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠામાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ભાગો જેમ કે રાજકોટ અને અમરેલીમાં પણ હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. સાબરકાંઠા, વડોદરા, સુરત, પાટણ, ગાંધીનગરના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદી છાંટા પડી શકે છે.
હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી આગાહીને લઈને ભારે આશ્ચર્યનું મોજુ ફેલાયું છે. આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ વધારે ફેરફાર થશે નહીં પરંતુ ત્યારબાદના ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. 
હાલમાં અમદાવાદ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમીનું મોજુ છે. આજે પણ લોકોને ગરમીથી કોઈ રાહત મળી ન હતી. અમદાવાદમાં મહત્તમ તાપમાન 42.4 સુધી રહ્યું હતું. આવતીકાલે પણ પારો 42 સુધી પહોંચી શકે છે. રાજ્યના જે ભાગોમાં આજે પારો 42થી ઉપર રહ્યો હતો તેમાં અમદાવાદમાં 42.4, વડોદરામાં 42.4 અને અમરેલમાં 42નો સમાવેશ થાય છે. જ્યારે ડીસામાં 41.2 અને ગાંધીનગરમાં 41.6 સુધી પારો રહ્યો હતો. અમદાવાદ શહેરમાં વધતી જતી ગરમીના કારણે લોકો હવે ભારે પરેશાન થઇ ગયા છે. આજે બપોરના ગાળામાં તો લોકો ઘરમાંથી બહાર પણ ન નિકળી શકે તેટલી હદ સુધી ગરમીનો અનુભવ થયો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer