પુલવામા શહીદની પત્ની-બાળક માટે ઉઘરાવાતું હતું ભંડોળ : સીઆરપીએફ મેદાને

અર્ધલશ્કરી દળે કહ્યું, `ફેક ન્યૂઝ, દળ તબીબી ખર્ચ ઉઠાવે છે, માત્ર દુઆ આપો' : ભંડોળ થયું બંધ

રાંચી, તા.13 : પુલવામા હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાન રતન ઠાકુરની પત્નીએ ગયા સપ્તાહે એક બાળકને જન્મ આપ્યો હતો. જન્મ સમયથી જ અનેક જટિલતાઓને કારણે તેની હાલત નાજુક બની હતી. શહીદના પુત્રના ઈલાજ માટે એક વેબસાઈટ `કેટો'એ ભંડોળ ઉઘરાવવાનું શરૂ કરતાં સીઆરપીએફે એક સ્પષ્ટતા કરીને તેઓ તમામ આર્થિક મદદ કરી રહ્યા છે અને માત્ર દુઆઓની જ જરૂર છે એમ કહ્યા બાદ આ વેબસાઈટે ભંડોળ ઉઘરાવવાનું બંધ કરી દીધું હતું.
કેટોએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે જે પત્નીએ પોતાનો પતિ પુલવામા હુમલામાં ગુમાવ્યો તે હવે પોતાના બાળકને બચાવવા સંઘર્ષ કરી રહી છે. સીઆરપીએફે આ પોસ્ટના જવાબમાં સ્પષ્ટતા કરી હતી કે બાળકને માત્ર તમારી પ્રાર્થનાઓની જ જરૂર છે. અફવાઓ ચાલી રહી છે. રાજનંદિની દેવી અને તેના નવજાતના ઈલાજમાં આર્થિક સમસ્યાઓ આવી રહી છે. સીઆરપીએફના અધિકારીઓ અને તબીબો સતત ઈલાજ પર નજર રાખી રહ્યા છે અને બાળકની હાલતમાં સુધારો આવી રહ્યો છે.
સીઆરપીએફે કહ્યું કે રૂપિયાની તંગી કદી ન હતી. સીઆરપીએફ તમામ તબીબી ખર્ચને વહન કરી રહી છે. ના તો શહીદના પરિવારને કોઈ આર્થિક મદદ જોઈએ કે ન તો સીઆરપીએફ આવી કોઈ મદદનું સમર્થન કરે છે. ફેક ન્યૂઝમાં ભોળવાઈ જજો નહીં. સીઆરપીએફની આ સ્પષ્ટતા બાદ કેટોએ પોતાની ટ્વિટ હટાવી લીધી હતી અને ભંડોળ પણ બંધ કરી નાખ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer