અલી-બજરંગ બલી વિવાદમાં માયાવતીએ ઝંપલાવ્યું

લોકોને કહ્યું, અલી અને બજરંગ બલીનો વિવાદ કરતા લોકોથી સાવધાન રહેવું 

લખનઉ, તા. 13 :  ઉત્તર પ્રદેશની લોકસભા ચૂંટણીમાં અલી અને બજરંગ બલી ઉપર રાજકીય ઘમાસાણ વધુ તેજ બન્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સમાજવાદી પાર્ટીના આઝમ ખાન બાદ હવે માયાવતીએ પણ આ વિવાદમાં ઝંપલાવ્યું છે. એક તરફ ચૂંટણી પંચને યોગીએ પોતાની સ્પષ્ટતા આપી છે. જેમાં કહ્યું છે કે નિવેદન પાછળ કોઈ ખોટી ભાવના નહોતી પણ હવે તે નિવેદનમાં સતર્કતા રાખશે. તેવામાં હવે માયાવતીએ કહ્યું છે કે લોકોએ બજરંગ બલી અને અલીનો વિવાદ અને ટકરાવ કરનારી સત્તાધારી શક્તિઓથી સાવધાન રહેવું પડશે. 
માયાવતીએ શનિવારે રામનવમી ઉપર આપેલા પોતાના સંદેશમાં દેશવાસીઓને રામનવમીની શુભેચ્છા આપી હતી અને સુખ અને શાંતિની પ્રાથર્ના કરી હતી. માયાવતીએ કહ્યું હતું કે, લોકો ભગવાન શ્રીરામના આદર્શોનું સ્મરણ કરી રહ્યા છે ત્યારે ચૂંટણીમાં સ્વાર્થ માટે બજરંગ બલી અને અલીનો વિવાદ અને ટકરાવ પેદા કરનારી સત્તાધારી શક્તિથી સાવધાન રહેવું પડશે. આ નિવેદનમાં માયાવતીનો ઈશારો યોગી આદિત્યનાથના નિવેદન ઉપર હતો.  અગાઉ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, જો કોંગ્રેસ, સપા અને બસપાને અલી ઉપર વિશ્વાસ હોય તો અમને બજરંગ બલી ઉપર વિશ્વાસ છે. આ નિવેદન ઉપર ચૂંટણી પંચે યોગીનો જવાબ માગ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer