શોપિયાંમાં જૈશ કમાન્ડર સહિત બે ઠાર

કાશ્મીર અથડામણમાં સુરક્ષા દળોને મોટી સફળતા : એક આતંકી એમ.ટેક.નો છાત્ર હતો

જમ્મુ, તા. 13 : દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શનિવારે સવારે સેના દ્વારા બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જેમાં એક જૈશ એ મોહમ્મદનો ટોચનો કમાન્ડર શાહજહાં પણ સામેલ છે. 
ગહંડ વિસ્તારમાં લશ્કરને બેથી ત્રણ આતંકવાદીઓ ઘેરાયેલા હોવાની બાતમી મળી હતી. સેનાના જવાનોએ આતંકવાદીઓને ચારે બાજુથી ઘેરો ઘાલીને કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં લશ્કરની 34 આરઆર ટુકડી અને એસઓજી શોપિયાં એક સાથે જોડાયેલી હતી. આતંકવાદીઓની તપાસ માટે શોધખોળ કાર્યવાહી હજુ જારી છે. 
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ગહંડ ક્ષેત્રમાં સુરક્ષા દળોને આતંકવાદીઓ હાજર હોવાની માહિતી આપી હતી. એ પછી સુરક્ષા દળોએ ક્ષેત્રની ઘેરાબંધી કરીને શનિવારે સવારે તલાશી અભિયાન શરૂ કર્યું હતું. 
તેમણે જણાવ્યું કે, સુરક્ષા દળ આતંકવાદીઓની તપાસ કરી જ રહ્યા હતા ને આતંકવાદીઓએ તેમના પર ગોળીઓ વરસાવવી શરૂ કરી હતી. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કર્યા બાદ બંને બાજુથી ગોળીબાર શરૂ થયો હતો.  આ પહેલાંની અથડામણમાં પણ બે આતંકવાદી માર્યા ગયા હતા. જેમાં હિઝબુલ મુઝાહિદ્દીનના બે આતંકવાદીઓમાંથી એક એમ.ટેક્.નો વિદ્યાર્થી હતો. ત્રણ દિવસ પહેલાં જ તે આતંકવાદી બન્યો હતો. જે ગાંહરબત જિલ્લાનો સાહિલ અશિદ શેખ ઈજનેરીનો છાત્ર હતો. જે ઠાર થયેલા બીજા આતંકવાદીની ઓળખાણ શોપિયાં જિલ્લાના કિગમ ગામના નિવાસી બિલાલ અહેમદના રૂપમાં કરવામાં આવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer