સિસોટીનું ચૂંટણી પ્રતીક પાછું મેળવવાના બહુજન વિકાસ આઘાડીના પ્રયાસો નિષ્ફળ

પાલઘર, તા. 13 (પીટીઆઈ) : નવા રચાયેલા સંગઠન સામે પોતાનું ચૂંટણી પ્રતીક વ્હીસલ ગુમાવનાર બહુજન વિકાસ આઘાડી (બીવીએ)એ શુક્રવારે આ ચૂંટણી પ્રતીક પાછું મેળવવા છેલ્લી ઘડીના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમાં તેને સફળતા મળી નહોતી.
વસઈના વિધાનસભ્ય હિતેન્દ્ર ઠાકુરની આગેવાની હેઠળની બીવીએ દ્વારા શિવસેનાના ઉમેદવાર તરીકે ઊભા રહેલા વર્તમાન સાંસદ રાજેન્દ્ર ગવિત સામે પાલઘરની લોકસભાની બેઠક પર ભૂતપૂર્વ સાંસદ બલીરામ જાધવને ઊભા રાખવામાં આવ્યા છે.
ચૂંટણી પંચે અગાઉ નવી રચાયેલી બહુજન મહા પાર્ટી (બીએમપી) વ્હીસલનું પ્રતીક ફાળવ્યું હતું જેણે રાજ્યમાં અને દેશમાં અનેક ઉમેદવારો ઊભા રાખ્યા છે.
જોકે બીએમપીના ઉમેદવાર કેતન પાટીલે શુક્રવારે બપોરે પાલઘરની બેઠક પરથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. પાટીલે ઉમેદવારી પાછી ખેંચતાં બીવીએને તેનું વ્હીસલ પ્રતીક પાછું મળવાની આશા બંધાઈ હતી અગાઉ તેણે આજ ચૂંટણી પ્રતીક પર ચૂંટણીઓ લડી છે. જોકે, રિટર્નિંગ અધિકારી પ્રશાંત નારનવરેએ બીવીએના નેતાઓને મધરાતે જણાવ્યું હતું કે હવે વ્હીસલનું ચૂંટણી પ્રતીક અન્ય કોઈ પક્ષને ફાળવવામાં આવશે.
આ નિર્ણયથી નિરાશ થયેલી બીવીએ જે જેને અગાઉ અૉટોરિક્ષાનું પ્રતીક ફાળવવામાં આવ્યું હતું તેને હવે એવો ડર લાગે છે કે તે ઘણા મતો ગુમાવશે, કારણ કે મોટા ભાગના મતદારો વ્હીસલના પ્રતીકથી પક્ષને ઓળખે છે. જોકે પાલઘરમાં મુખ્ય મુકાબલો જાધવ અને ગવિત વચ્ચે છે. જોકે ડઝનેક અન્ય ઉમેદવારો પણ મેદાનમાં છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer