લોકસભા ચૂંટણીની અસર સુરતમાં આંગડિયા પેઢીઓ પર ભીંસ વધી

સુરત ઍરપોર્ટ પરથી બાર લાખ રોકડ સાથે હીરાનો ધંધાર્થી ઝડપાયો

સુરત, તા. 13 : શહેરમાં ઈલેકશન કમિશનની સ્ટેટેસ્ટિક ટીમે આંગડિયા પેઢીઓ મારફત હેરફેર થતાં હીરા અને રોકડની ઝીણવટપૂર્વક તપાસ કરવાની શરૂ કરતાં હીરાની હેરફેર અટકી પડી હોવાનું ચિત્ર ઊપસ્યું છે. ગઈકાલે મોડી સાંજે કોલકાતાથી આવેલી ફ્લાઈટમાંથી રૂા. 12 લાખની રોકડ સાથે હીરાના એક ધંધાર્થીને આઈટી વિભાગે ઝડપી લીધો છે. 
લોકસભાની ચૂંટણી જાહેર થતાં દેશભરમાં આચારસંહિતા લાગુ છે. નિયમ મુજબ રોકડની હેરફેર કરી શકાય છે. નિયત મર્યાદા કરતાં વધુ રકમની રોકડની હેરફેર અટકાવવા માટે ઈલેકશન કમિશને કડક અમલવારીના આદેશ આપ્યા છે. જે અંતર્ગત સુરતમાં ઈલેકશન કમિશનની સ્ટેટેસ્ટિક ટીમે આંગડિયા પેઢીઓ પર ભીંસ વધારી છે. મુંબઈ માર્ગે નિકાસ માટે જતાં હીરાનાં કામકાજને કોઈ અસર પહોંચી નથી, પરંતુ સુરતથી ચેન્નઈ, કોલકાતા, દિલ્હી, બેંગલોર, જયપુરની ડિલિવરી અટકી પડી છે. 
ચૂંટણી સ્ટેટસ્ટિક ટીમે સુરત-કોલકાતા ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા સમીર નામના વેપારીને સુરત ઍરપોર્ટ પર રૂા. 12 લાખની રોકડ સાથે ઝડપી લીધો હતો. વેપારીએ કોલકાતામાં એક પ્રદર્શનમાં સ્ટોલ રાખ્યો હોવાથી રોકડ રકમ સાથે લાવ્યો હોવાનો દાવો કર્યો હતો. વેપારીના દાવા સામે અધિકારીઓએ રોકડ અંગેના હિસાબી દસ્તાવેજો માગી વેરિફિકેશનની કાર્યવાહી હાથ ધરી છે. 
આ ઉપરાંત આઈટી વિભાગે બાતમીના આધારે શહેરના વરાછા વિસ્તારની ચીનુ અને મહિધરપુરાની અંબેલાલ હરગોવન આંગડિયા પેઢીમાં તપાસ હાથ ધરી પેઢીનાં ધંધાકીય સ્થળો પરથી રૂા. 60 લાખની રોકડ રકમ જપ્ત કરી હતી. 
કારમાંથી 14.47 લાખ પકડાયા 
દરમિયાન, લોકસભાના નવસારી મતદાર ક્ષેત્રમાં ચૂંટણી પંચની ટીમે મરોલી ચાર રસ્તાથી મધ્યરાત્રિએ એક સેન્ટ્રો કારમાંથી રોકડા રૂા. 14,47,500 સાથે નવસારી વિજલપોરના રહીશને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી  છે. ઇન્કમ ટૅક્સ વિભાગને પણ આ અંગે જાણ કરાઈ છે. કારડ્રાઇવર ભાવેશ મહેન્દ્ર ઠકકર - રહે. અલકાપુરી સોસાયટી, વિજલપોર, તા. જલાલપોર નવસારીની પૂછપરછ કરતા સચીન જીઆઇડીસીમાંથી ધંધાની ઉઘરાણી કરી રૂપિયા લઇ આવ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, આ ઘટનાને પગલે રાજકીય પક્ષોમાં હલચલ મચી ગઇ હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer