કૉંગ્રેસ-રાષ્ટ્રવાદી મજબૂત હોવાથી મોદી ચાર વાર રાજ્યના ચૂંટણીપ્રવાસે : પવાર

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : ભાજપે વિકાસના મુદ્દે વર્ષ 2014માં ચૂંટણી લડી હતી. લોકોએ ભાજપને તક આપી હતી. પાંચ વર્ષમાં ભાજપની મોદી સરકાર તે તકનો સારો ઉપયોગ કરી શકી નહીં. મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ-રાષ્ટ્રવાદીના મોરચા માટે ચૂંટણીમાં અનુકૂળ વાતાવરણ હોવાથી તેને જ વિજય મળવાનો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચાર વખત મહારાષ્ટ્રના ચૂંટણીપ્રવાસે આવ્યા છે, એમ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવારે જણાવ્યું છે.
લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે કોલ્હાપુરની બે દિવસની મુલાકાત દરમિયાન પવારે પત્રકાર પરિષદમાં સંબોધન કર્યું હતું તેમાં પવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના વડા અમિત શાહ, શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે અને મહેસૂલપ્રધાન ચંદ્રકાંત પાટીલની ટીકા કરી હતી. પવારે જણાવ્યું હતું કે ભાજપની મોદી સરકારે પાંચ વર્ષ પહેલાં આપેલાં વચનો પાળ્યાં નથી. તેથી હવે મોદી વિપક્ષોની ટીકા કરીને મતદારોનું ધ્યાન અન્યત્ર દોરવાનો પ્રયત્ન કરે છે. ભાજપની કાશ્મીર અંગેની નીતિ ભૂલભરેલી છે. કાશ્મીરમાં ભાજપે જ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીની સાથે સત્તામાં ભાગીદારી કરી હતી. તે પક્ષ સાથે અમારે કોઈ સંબંધ નથી. તેથી કાશ્મીર વિશે ભાજપે જ ઉત્તર આપવા જોઈએ. ચાર વર્ષ પહેલાં મોદી કાશ્મીરમાં ગયા હતા. ત્યાં તેમણે વિકાસનો કાર્યક્રમ રજૂ કર્યો હતો, પરંતુ ત્યાં એકપણ મુદ્દો અમલમાં મૂકી શકાયો નહોતો. તેથી યુવા વર્ગ નારાજ છે. તેનો દોષ મોદી બીજા ઉપર ધકેલે છે એમ પવારે કહ્યું હતું.
ભારતમાં બે વડા પ્રધાન એ કૉંગ્રેસની નીતિ તમને મંજૂર છે? એવો પ્રશ્ન મોદીએ પવારને કર્યો હતો. તે અંગે પવારે જણાવ્યું હતું કે બંધારણમાં નહીં હોવા છતાં બીજા વડા પ્રધાનનું પદ આવ્યું ક્યાંથી? કાશ્મીર ભારતમાં વિલીન થયું તે અંગે વર્ષ 1948માં કેટલીક શરતો મૂકવામાં આવી હતી. તે મુજબ કેટલાક અધિકાર આપવામાં આવ્યા હતા. તે સમયે મારી ઉંમર આઠ વર્ષ હતી. તો તેનો દોષ મારા ઉપર કેવી રીતે ઢોળે છે? એમ પવારે ઉમેર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer