એક દાયકામાં બૅન્કોએ સાત લાખ કરોડની લોન માંડી વાળી

બૅન્કોએ માંડવાળ કરેલ લોનોમાંથી 80 ટકા છેલ્લાં પાંચ વર્ષની લોન છે

નવી દિલ્હી, તા. 13: શકમંદ અને વસૂલી ન શકાય તેવી લોનોના આંકડા ઓછા દર્શાવવા માટે દેશની રાષ્ટ્રીયકૃત બેંકોએ 2016-17ના વર્ષમાં રૂ. 1,08,374 કરોડ અને 2017-18માં રૂ. 1,61,328 કરોડ માંડવાળ કરી નાખ્યા હતા. 2018ના ઓક્ટોબર- ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં રૂ. 64,000 કરોડ માંડવાળ કરવામાં આવ્યા હતા.
વેરા ભરનારાઓનાં નાણાંથી સરકાર વારંવાર બેંકોનું રીકેપિટલાઇઝિંગ કરે છે ત્યારે બેંકો ઠગ ધિરાણ લેનારાઓએ લીધેલી લોન માંડવાળ કરી રહી છે. ડિસેમ્બર 2018માં પૂરા થતાં નવ માસ દરમિયાન બેંકોએ રૂ. 1,56,702 કરોડની નોન-પરફોર્મિંગ લોનો માંડવાળ કરી હતી. આમ છેલ્લાં દશ વર્ષમાં કુલ રૂ. સાત લાખ કરોડની લોનો બેંકોએ માંડવાળ કરી છે, એમ રીઝર્વ બેંકે જણાવ્યું હતું.
આ માંડવાળ કરેલ લોનોમાંથી મોટો ભાગ એટલે કે ચાર પંચમાસ ભાગ એપ્રિલ 2014થી છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન માંડવાળ કરવામાં આવ્યો છે. રીઝર્વ બેંકે જણાવ્યું હતું કે, 2014ના એપ્રિલથી આજ સુધી એટલે કે છેલ્લાં પાંચ વર્ષમાં રૂ. 5,55,603 કરોડની લોનો માંડવાળ કરવામાં આવી હતી.
બેંકિંગ વર્તુળોના જણાવ્યા મુજબ ધિરાણ લેનારાઓ અંગે તથા વ્યક્તિગત ધિરાણ લેનારાઓની રકમ અંગે બહુ ઓછી જાણકારી છે. બેંકો જણાવે છે કે લોનો માંડવાળ કર્યા બાદ પણ રીકવરીની પ્રક્રિયા ચાલુ છે. જોકે રીકવરીની ટકાવારી 15થી 20 ટકા જેટલી જ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer