મોદી સરકારમાં ખાનગી ક્ષેત્રના વિશેષજ્ઞોની સૌથી મોટી સીધી ભરતી

નવી દિલ્હી, તા. 13 : દેશમાં પહેલી વખત ખાનગી ક્ષેત્રના 9 વિશેષજ્ઞોને કેન્દ્ર સરકારના વિભિન્ન વિભાગમાં સંયુક્ત સચિવના પદે નિયુક્ત કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે યુપીએસસી દ્વારા લેવાથી સિવિલ સેવા પરીક્ષા, વન સેવા પરીક્ષા કે અન્ય કેન્દ્રીય સેવાઓની પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારને કારકિર્દીમાં લાંબો અનુભવ મળ્યા બાદ સંયુક્ત સચિવના પદે તૈનાત કરવામાં આવતા હતા. કાર્મિક મંત્રાલયે ગયા વર્ષે જૂન મહિનામાં સીધી ભરતી વ્યવસ્થા મારફતે સંયુક્ત સચિવ રેન્કના પદો માટે આવેદનને આમંત્રિત કર્યા હતા. આ પદ માટે આવેદનની છેલ્લી તારીખ 30 જુલાઈ 2018 હતી. આ સમય દરમિયાન કુલ 6077 લોકોએ અરજી કરી હતી.
આ અગાઉ અમુક વિશેષજ્ઞો સીધી ભરતી મારફતે નાણાકીય, વીજળી અને સ્વચ્છતા જેવા મંત્રાલયોમાં સરકારમાં સામેલ થયા હતા. જેની યાદીમાં મનમોહન સિંઘ, મોન્ટેક સિંહ, અહલૂવાલિયા, બિમલ જાલાન, વિજય કેલકર, આરવી શાહી વગેરેના નામ સામેલ છે. યુપીએસસીએ શુક્રવારે જારી કરેલી યાદીમાં કૃષિ, નાગરિક ઉડ્ડયન, નાણા, ટ્રાન્સપોર્ટ અને શિપિંગ સહિતના મંત્રાલયો માટે પસંદ થયેલા ઉમેદવારના નામ જારી કર્યા હતા. તેઓ કોન્ટ્રાક્ટ ઉપર સંબંધિત વિભાગમાં જોડાશે. એક અહેવાલ પ્રમાણે કેપીએમજીના પ્રમુખ રહેલા અમ્બર દુબેને નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં જવાબદારીની ભલામણ કરવામાં આવી છે. જ્યારે બહુપક્ષીય કૃષિ ક્ષેત્ર કેન્દ્રીય એજન્સી સાથે કામ કરતા કાકોલી ઘોષને કૃષિ મંત્રાલયમાં સામેલ કરવા પસંદ કરવામાં આવ્યા છે. આવી જ રીતે સુજીત કુમાર વાજેઈને પર્યાવરણ મંત્રાલય, પનામા રિન્યૂઅલ એનર્જી ગ્રુપના સીઈઓ દિનેશ દયાનંદ જગદાલેને ન્યૂ એન્ડ રિન્યૂએબલ ઉર્જા મંત્રાલયમાં સામેલ કરવામાં આવ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer