વડા પ્રધાન આગામી સપ્તાહે દિલ્હીમાં વેપારીઓને સંબોધશે

નવી દિલ્હી, તા. 13 : લોકસભાની આગામી ચૂંટણીના પ્રચાર અભિયાનમાં હાલ વ્યસ્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદી 19મી એપ્રિલના દિલ્હીના તાલકોટરા સ્ટેડિયમ ખાતે દિલ્હી અને દેશના વેપારીઓને સંબોધશે. આજે આ માહિતી કેન્દ્રીય પ્રધાન વિજય ગોયેલે અત્રે પત્રકાર પરિષદમાં આપી હતી જેમાં કોન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઈટી)ના મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ અને વ્યાપારી આલમના ઘણા અગ્રણીઓ હાજર રહ્યા હતા. વેપારીઓના અધિવેશનમાં દિલ્હી અને અન્ય રાજ્યોના હજારો વેપારીઓ ભાગ લેશે.
પત્રકારોને સંબોધતાં વિજય ગોયલે જણાવ્યું હતું કે, ભાજપે તેના ચૂંટણીઢંઢેરામાં વેપારીઓના મુખ્ય અને મૂળભૂત મુદ્દાઓને સામેલ કર્યા છે, જેમાં મુખ્યત્વે રાષ્ટ્રીય વ્યાપારી કલ્યાણ બોર્ડની સ્થાપના, રિટેલ વેપાર માટે રાષ્ટ્રીય નીતિ ઘડવી, તમામ વેપારીઓને 60 વર્ષની ઉંમર બાદ પેન્શન આપવું, જીએસટી હેઠળ નોંધાયેલા તમામ વેપારીઓને 10 લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપવો, કિસાન ક્રેડિટ કાર્ડની જેમ તમામ વેપારીઓને વ્યાપારી ક્રેડિટ કાર્ડ આપવા વગેરેનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે સીએઆઇટીના મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, ભાજપે તેના ચૂંટણીઢંઢેરામાં વેપારીઓના બુનિયાદી મુદ્દાઓને સામેલ કર્યા છે જેને લઇને દિલ્હી સહિત દેશભરના વેપારીઓમાં બેહદ ઉત્સાહ છે અને તમામ આ સકારાત્મક પગલાં માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માને છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer