ચૂંટણીઢંઢેરામાં પણ અયોધ્યા કરતાં બાલાકોટને મહત્ત્વ

અયોધ્યામાં ભાજપ માટે રામમંદિર એ ચૂંટણીનો મુદ્દો છે જ નહીં

નવી દિલ્હી, તા. 13: દેશમાં જે ધ્યાનાકર્ષક લોકસભાની બેઠકો છે તેમાં અયોધ્યા એટલે કે ફૈઝાબાદની બેઠકનો સમાવેશ થાય છે. ભાજપ માટે પ્રતિષ્ઠારૂપ એવી આ બેઠક હોવા છતાં ભાજપના ચૂંટણી પ્રચારમાં રામમંદિરના બદલે બાલાકોટ ઉપર કરવામાં આવેલા હવાઇ હુમલાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે.
અયોધ્યા- ફૈઝાબાદની બેઠક ઉપર 1991થે આજ સુધી યોજાયેલી સાત સંસદીય ચૂંટણીમાં ચાર વખત ભાજપની જીત થઇ હતી. જ્યારે બસપા, સમાજવાદી પક્ષ અને કોંગ્રેસ એ ત્રણેય અહીં એક એક વખત વિજેતા બન્યા હતા. ગયા વખતે એટલે કે 2014ની ચૂંટણીમાં અહીં ભાજપ 48 ટકા મત સાથે વિજેતા બન્યું હતું અને સમાજવાદી પક્ષને 20.4 ટકા અને બસપાને 13.9 ટકા મત મળ્યા હતા.
જયારે 2009ની ચૂંટણીમાં કોંગ્રેસ 28.2 ટકા મત સાથે વિજેતા બની હતી. જ્યારે સમાજવાદી પક્ષને 21 ટકા અને ભાજપને 20.2 ટકા મત મળ્યા હતા.
મંદિરની ચળવળે રાજકીય સ્વરૂપ ધારણ કર્યા બાદ આ વખતે પ્રથમ વખત ભાજપના ચૂંટણી ઢંઢેરામાં રામ મંદિરનો મુદ્દો માત્ર એક ઉલ્લેખ ખાતર જીવંત કરવામાં આવ્યો હોય તેવું જણાય છે.
આગામી રામનવમીના સંદર્ભમાં અહીં પ્રચાર ઠંડો છે અને ``મંદિર વહી બનાયેંગે'' જેવા સૂત્રોનો અભાવ છે. ગયા વર્ષે પ્રારંભ કરાયેલ ``રામ રાજ્ય રથ'' શુક્રવારે અયોધ્યામાં પ્રવેશ્યો ત્યારે પણ તેનું બહુ મોટી ઉષ્માથી સ્વાગત કરવાનો અભાવ જોવા મળ્યો હતો.
અવધ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર રામશંકર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી માટે અયોધ્યા કરતા બાલાકોટનો મુદ્દો વધુ સંવેદનાભર્યા લાગે છે.
ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ લાલુ સિંઘે જણાવ્યું હતું કે, `અહીંયા મંદિર નહીં પણ રાષ્ટ્રવાદ મુદ્દો છે. મંદિર કયારેય મુદ્દો હતો જ નહીં.' અમે મોદીના નામે જીતીશું- મંદિરના નામે નહીં. અમે કયારેય મંદિર માટે મત માગ્યા નથી. હું મોદી અપીલ ઉપર જીતી જઇશ. વીએચપીના કેન્દ્રીય સચિવ રાજેન્દ્ર પંકજ કહે છે ``રાષ્ટ્રવાદ હી રામ હૈ''

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer