સાંપ્રદાયિક તંગદિલીને ઉત્તેજન

ફારુક, આઝમ ખાનને ચેતવતા શાહનવાઝ
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 13 : ભાજપના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાજ હુસૈને કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના મુસ્લિમ નેતાઓ પર નિશાન સાધતા તેમને સલાહ આપી હતી કે, તેઓ સાંપ્રદાયિક તંગદિલીને ઉત્તેજન ન આપે.
તેમણે નેશનલ કૉન્ફરન્સના વરિષ્ઠ નેતા ડૉ. ફારુક અબદુલ્લા અને સપાના આજમ ખાનને તેમનાં નિવેદનો માટે ચેતવણી પણ આપી હતી.
શાહનવાજ હુસૈને ફારુક અબદુલ્લાના નિવેદનને લઈને કૉંગ્રેસ પર નિશાન સાધતાં પૂછ્યું હતું કે શું કૉંગ્રેસ ફારુકનાં દેશવિરોધી નિવેદનો સાથે સંમત છે ? જોતે સંમત હોય તો સ્પષ્ટતા કરે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે પણ અબદુલ્લા જવાનોની શહાદત પર રાજકારણ કરે છે ત્યારે દેશના કરોડો લોકોનું લોહી ઊકળી ઊઠે છે.
આસામના અૉલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના અધ્યક્ષ બદરુદ્દીન અજમલના નિવેદન વિષે હુસૈને જણાવ્યું હતું કે તેઓ ઘૂસણખોરોના સરદાર છે, પરંતુ અમારા શાસનમાં એક પણ ઘૂસણખોર નહીં બચે. બધાને વીણી વીણીને બહાર ધકેલવામાં આવશે. અઝમલે વડા પ્રધાન વિષે વિવાદિત નિવેદન આપ્યું હતું તેમણે વડા પ્રધાનને દેશની બહાર કાઢવાની વાત કરી હતી. શાહનવાઝ હુસૈને જણાવ્યું હતું કે, `હું આઝમ ખાનને કહેવા માગું છું કે તેઓ પોતાની જબાનને લગામ આપે, તેમની જીભ ઘણી મોટી થઈ ગઈ છે. તેઓ દેશમાં સાંપ્રદાયિક તંગદિલી વધારવા માગે છે તેઓ તંગદિલી વધારવા બજરંગ બલીને બજરંગ અલી કહી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer