ભૂકંપના શ્રેણીબંધ આંચકાથી સમગ્ર તાલાલા પંથક હચમચી ઊઠયો

શુક્રવાર રાત્રે એક અને શનિવારે બે આંચકા : વાસણો પડી ગયાં, કાચાં મકાનોમાંથી પોપડા ખર્યા
 
તાલાલા (ગીર), તા.13: આ પંથકમાં શુક્રવાર રાત્રીથી શરૂ થયેલા ધરતીકંપના અવિરત આંચકાથી લોકો ભયભીત થઇ ગયાં છે.
તાલાલા પંથકને શુક્રવારે મોડી રાત્રે હચમચાવી નાખનાર ધરતીકંપના તીવ્ર આંચકા અંગે ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરે  રાત્રે 12-07 કલાકે આવેલ ધરતીકંપના આંચકાની તીવ્રતા 3.5ની હોવાનું જણાવ્યું હતું. આંચકાનું એ.પી. સેન્ટર તાલાલા ગીરથી 16 કિ.મી. દૂર ઇસ્ટ -નોર્થ- ઇસ્ટ દિશામાં નોંધાયું હતું. જમીનમાં 10 કિ.મી. ઉડાણથી આવેલ આ આંચકાએ તાલાલા શહેર ઉપરાંત તાલાલા પંથકના બોરવાવ ગીર-આંકોલવાડી ગીર, માધુપુર ગીર, લુશાળા ગીર, ધાવા ગીર, હડમતીયા ગીર સહિત તાલાલા પંથકના 30 થી 35 ગામોમાં વ્યાપક અસર થઇ હતી.
અનેક મકાનોમાં અભેરાયેથી વાસણો નીચે ગબડી ગયા હતાં. કાચા તથા નબળા મકાનોમાંથી પોપડાં પડવા લાગ્યા હતાં.
શનિવારે 5-10 કલાકે 2.00 ની તીવ્રતા વાળો આંચકો આવ્યો હતો. તેનું એ.પી. સેન્ટર તાલાલા ગીર થી 21 કિ.મી. દૂર નોંધાયું હતું. ત્યાર બાદ આજે બપોરે 12-25 કલાકે ફરી ધરતીમાં સળવળાટ સાથે 1.7ની તીવ્રતા વાળો આંચકો આવ્યો હતો.
આ આંચકાનું એ.પી. સેન્ટર તાલાલા ગીરથી 17 કિ.મી. દૂર નોંધાયુ હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer