સ્મૃતિ સામે અમેઠીમાં `અમંગળ''નો ભય

સ્મૃતિ સામે અમેઠીમાં `અમંગળ''નો ભય
રાહુલ કેરળમાંથી પણ ચૂંટણી લડે એવી વકી
 
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 23 : કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત કેરળમાં લોકસભાના વાયનાડ મતદાર ક્ષેત્રમાંથી પણ ચૂંટણી લડવાની સંભાવના છે, એવી કૉંગ્રેસે જાહેરાત કરી છે. પક્ષના પ્રવક્તા રણદીપસિંહ સૂરજેવાલાએ કહ્યું હતું કે રાહુલ ગાંધી હંમેશાં એવું કહેતા આવ્યા છે કે અમેઠી તેમની `કર્મભૂમિ' છે અને તે કર્મભૂમિ બની રહેશે.
મીડિયાને સંબોધતા સૂરજેવાલાએ જણાવ્યું હતું કે વાયનાડથી ચૂંટણી લડવા માટે કેરળમાં પક્ષના કાર્યકરોએ રાહુલ ગાંધીને અનુરોધ કર્યો છે. તેમના બેહદ પ્રેમ અને સ્નેહ બદલ અમે તેમનો આભાર માનીએ છીએ. કૉંગ્રેસ પ્રમુખ તેમના અનુરોધની સકારાત્મકપણે વિચારણા કરશે.
આ હિલચાલ દક્ષિણ ભારતમાં કૉંગ્રેસને જોમ પૂરું પાડવા માટેની છે, પરંતુ એવા અહેવાલ વચ્ચે તે આવી છે કે આ વખતે રાહુલ માટે અમેઠીમાં મંજિલ આસાન નથી. જો રાહુલ ગાંધી અમેઠી બહારથી ચૂંટણી લડવાનું નક્કી કરે તો એક રીતે એવો સ્પષ્ટ સંદેશો મળે છે કે અમેઠી રાહુલ ગાંધી માટે વૉટરલૂ છે એ સત્યની રાહુલ ગાંધી અને કૉંગ્રેસને આખરે પ્રતીતિ થઈ છે અને આ સત્યને સ્વીકાર્યું છે અને તેથી સલામત બેઠક જરૂરી છે.
હકીકતમાં રાહુલ ગાંધીની સામે અમેઠીમાંથી લોકસભાના ઉમેદવાર તરીકે કેન્દ્રનાં પ્રધાન સ્મૃતિ ઈરાનીને ઊભા રાખવાની ભાજપ તરફથી જાહેરાત કરાયા બાદ કેરળમાં વાયનાડ ખાતેથી રાહુલ ચૂંટણી લડશે એવી સંભાવના ઊપસી આવી છે. વધુમાં, જો રાહુલ બીજી બેઠક પરથી લડે તો એ બાબત ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ માટે મોંઘી પુરવાર થશે, કારણ કે કૉંગ્રેસના પુનરુત્થાનની તક વધુ ધૂંધળી બની જશે. કૉંગ્રેસના તમામ રાજકીય વિરોધીઓ એટલે કે બહુજન સમાજ પક્ષ, સમાજવાદી પક્ષ તથા ભારતીય જનતા પક્ષ જાહેરમાં એવું કહેવા માંડશે કે અગાઉથી પરાજય સ્વીકારીને રાહુલે ઉત્તર પ્રદેશની બહારથી લડવાનું પસંદ કર્યું છે.
ઉપરાંત, ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસને પુનર્જીવિત કરવા માટે કૉંગ્રેસના નવનિયુક્ત મહામંત્રી પ્રિયંકા ગાંધીના સમગ્ર પ્રયાસો નિરર્થક પુરવાર થશે, કારણ કે ઉત્તર પ્રદેશ બહારની બેઠક રાહુલે શા માટે પસંદ કરી એ પ્રશ્નનો ઉત્તર આપવામાં જ પ્રિયંકા વ્યસ્ત હશે. રાહુલની અમેઠી બેઠક જે ક્ષેત્ર હેઠળ આવે છે એ પૂર્વીય ઉત્તર પ્રદેશના પ્રિયંકા ઇન્ચાર્જ હોવા છતાં શું કૉંગ્રેસ ત્યાં નબળી છે?
ભાજપનાં સ્મૃતિ ઈરાની દેખીતી રીતે રાહુલ માટે ધૂણાવનારું પરિબળ છે, કારણ કે અમેઠીમાં નવો ચહેરો હોવા છતાં 2014ની ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલને મજબૂત લડત આપી હતી અને રાહુલની વિજયી મતોની સરસાઈ ઘટીને માત્ર એક લાખ મતોની થઈ હતી.
વર્ષ 2017માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી બાદ કૉંગ્રેસ માટે ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યારે અમેઠી લોકસભા મતદાર ક્ષેત્રમાં આવતી વિધાનસભાની પાંચમાંથી ચાર બેઠક પર ભાજપનો વિજય થયો હતો. 2014ની ચૂંટણી હાર્યા બાદ પણ સ્મૃતિ ઈરાનીએ અમેઠીની વારંવાર મુલાકાત લીધી છે અને આ મતદાર ક્ષેત્રમાં પક્ષના કાર્યકરો સાથે સતત સંપર્ક જાળવીને તેમને પ્રોત્સાહિત કર્યા છે.
કૉંગ્રેસ માટે વાયનાડને સુરક્ષિત બેઠક તરીકે જોવાઈ રહી છે. ગત વર્ષે કેરળ પ્રદેશ કૉંગ્રેસ કમિટીના કાર્યવાહક પ્રમુખ એમ.આઈ. શનાવાસના મૃત્યુ બાદ આ બેઠક ખાલી પડી હતી. શનાવાસ 2009 અને 2014 એમ બે વખત આ બેઠક પરથી લોકસભામાં ચૂંટાયા હતા. અખિલ ભારત કૉંગ્રેસ મહાસમિતિના મહામંત્રી ઉમેન ચેન્ડી તથા વિપક્ષના નેતા રમેશ ચેન્નીથલા સહિત કેરળમાંથી કૉંગ્રેસના ટોચના નેતાઓએ લોકસભાની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડવા રાહુલ ગાંધીને અનુરોધ કર્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer