NDAના બિહારના 39 ઉમેદવારો જાહેર

NDAના બિહારના 39 ઉમેદવારો જાહેર
શત્રુઘ્ન સિંહા આઉટ, શાહનવાઝની પણ બાદબાકી, ગિરિરાજની બેઠક બદલાઈ

પટણા, તા. 23 : બિહારમાં એનડીએ ગઠબંધને લોકસભા ચૂંટણી માટે આજે 40 સીટો પૈકી 39 સીટો પર તેમના ઉમેદવારો જાહેર કરી દીધા હતા. એનડીએ દ્વારા જારી કરવામાં આવેલી યાદીમાં ભાજપના બળવાખોર નેતા શત્રુઘ્ન સિંહાને ટિકિટ ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથેસાથે શાહનવાઝ હુસૈનની ટિકિટ પણ કપાઈ ગઈ છે. બીજી બાજુ કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહને નવાદાના બદલે બેગુસરાય બેઠક પરથી મેદાનમાં ઉતારી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખઘડિયા બેઠક પરથી હજુ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. જે રામવિલાસ પાસવાનના ખાતામાં હોવાના હેવાલ છે.
બીજી બાજુ મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઇને તમામ બાબતો ફાઈનલ થઈ ગઈ હોવા છતાં ખેંચતાણ જારી છે. પટણામાં એનડીએ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી ત્યારે તમામની નજર ગિરિરાજ અને શત્રુઘ્ન સિંહાની સીટ પર લાગેલી હતી. ગિરિરાજને નવાદાના બદલે બેગુસરાય બેઠક પરથી ઉતારી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટિકિટ જેમને મળી નથી તેમાં શત્રુઘ્ન સિંહા સામેલ છે. 
પટણા સાહિબમાંથી સાંસદ તરીકે રહેલા સિંહાને પાર્ટીની સામે બળવો કરવા બદલ સજા તરીકે ટિકિટ આપવામાં આવી નથી. તેમની જગ્યાએ આ સીટ પરથી રવિશંકર પ્રસાદને મેદાનમાં ઉતારી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  
બીજી બાજુ કેન્દ્રીય પ્રધાન રામકૃપાલ યાદવને પાટલીપુત્રમાંથી ફરી ટિકિટ આપવામાં આવી છે. તેઓ વર્ષ 2014માં આરજેડી સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા. બિહારમાં ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ 17-17 સીટો પણ ચૂંટણી લડી રહી છે. શત્રુઘ્ન સિંહા અને શાહનવાઝ હુસૈનને ટિકિટ આપવામાં આવી નથી. ચંપારણમાંથી ભાજપના કેન્દ્રીયમંત્રી રાધામોહનાસિંહ ઉમેદરવાર છે. 
સારનમાંથી રાજીવ પ્રતાપ રૂડી મેદાનમાં ઉતરી રહ્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ નિત્યાનંદ ઉજિયારપુરમાંથી મેદાનમાંથી ઉતરી રહ્યા છે. કેન્દ્રીયમંત્રી અશ્વિની ચૌબે બકસર સીટ પર મેદાનમાં ઉતરી રહ્યા છે. ભાજપની આ ત્રીજી યાદી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer