અંબાણીના નિવાસસ્થાન સી વિંડના રિપેરિંગના નામે 16.9 કરોડ રૂપિયાની છેતરપિંડી

અંબાણીના નિવાસસ્થાન સી વિંડના રિપેરિંગના નામે 16.9 કરોડ રૂપિયાની છેતરપિંડી
રિલાયન્સ સમૂહની બે કંપનીના પૂર્વ ડિરેક્ટરની ટૂંક સમયમાં ધરપકડ કરાશે

મુંબઈ, તા.23 : ઉદ્યોગપતિ અંબાણી પરિવારના કફ પરેડસ્થિત નિવાસસ્થાન સી વિંડ બિલ્ડિંગના સમારકામના નામે 16.9 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં રિલાયન્સ સમૂહની બે કંપનીઓના પૂર્વ ડિરેક્ટર મુકેશ શાહની ધરપકડ કરાઈ છે. મુકેશ શાહે સી વિંડ બિલ્ડિંગના સમારકામ માટે કંપનીમાંથી આ રકમ લીધી હતી, પરંતુ રિપેરિંગ કર્યું જ નહોતું. 
પોલીસના જણાવ્યા પ્રમાણે ઘાટકોપરમાં રહેતા 56 વર્ષના આરોપી મુકેશ શાહ વર્ષ 1988થી રિલાયન્સ ગ્રુપના કર્મચારી હતા અને વર્ષ 1998થી સપ્ટેમ્બર 2012 સુધી રિલાયન્સ ગ્રુપની ઇશા બિલ્ડટેકમાં ડિરેક્ટર હતા અને વર્ષ 2012થી ઇશા ઇન્ફ્રાટેક કંપનીમાં પણ ડિરેક્ટર હતા. આ બંને કંપની સી વિંડ બિલ્ડિંગની જાળવણી અને સમારકામ કરે છે અને આરટીજીએસ ફોર્મમાં હસ્તાક્ષર કરવાનો ચાર વ્યક્તિને અધિકાર છે, તેમાં મુકેશ શાહ પણ હતા. સપ્ટેમ્બર 2018થી મુકેશ શાહે કામ પર આવવાનું બંધ કરી દીધું હતું અને તેના પરિવારે અૉક્ટોબર 2018માં શાહ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.
ઇશા ઇન્ફ્રાટેકમાં રકમ ટ્રાન્સફર કરવા માટે ચારમાંથી બે સત્તાધારીઓના હસ્તાક્ષર જરૂરી હતા. જોકે, મુકેશ શાહ રિલાયન્સ સમૂહની કંપનીઓના વિશ્વાસપાત્ર હોવાથી તમને આ કંપનીઓનાં બિલો અને તેના હિસાબ-કિતાબ તેમ જ રિપેરિંગ માટેની કાચી સામગ્રીનાં બિલો સહિતના દસ્તાવેજો તેમ જ બિલો અને આરટીજીએસમાં હસ્તાક્ષર કરવાના મોટા ભાગના અધિકાર મળેલા.
જૂન 2018માં મુકેશ શાહે અચાનક કંપનીઓનાં ડિરેક્ટરપદેથી રાજીનામું આપી દીધું હતું અને સપ્ટેમ્બરથી કામ પર આવવાનું પણ બંધ કર્યું હતું. એની જગ્યાએ નવા નિમાયેલા ડિરેક્ટરે વર્ષ 2017-18 અને 2018-19ના હિસાબ-કિતાબના ચોપડા તપાસવાનું શરૂ કર્યું હતું. આ તપાસમાં ખબર પડી હતી કે કંપનીએ રિપેરિંગ માટે આર્થિક લેવડ-દેવડ કરી હતી, પરંતુ ચોપડાઓમાં તેની નોંધ કે એન્ટ્રી નહોતી કરી. સી વિંડ બિલ્ડિંગના રિપેરિંગ માટે ઇશા ઇન્ફ્રાટેકના અકાઉન્ટમાંથી 9.22 કરોડ રૂપિયા અને ઇશા બિલ્ડટેક કંપનીના અકાઉન્ટમાંથી 7.68 કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝેક્શનો કેટલીક કંપનીઓ સાથે કરાયાં હતાં, પરંતુ આ બિલ્ડિંગમાં હકીકતમાં કોઇ પણ પ્રકારનું સમારકામ કરાયું જ નહોતું કે નહોતું કોઇ કોન્ટ્રેક્ટર કે કંપની સાથે બિલ્ડિંગ રિપેરિંગના કોન્ટ્રેક્ટ સાઇન કરાયા. તપાસમાં બહાર આવ્યું હતું કે મુકેશ શાહે બનાવટી વાઉચરોથી આટલી મોટી રકમની ઉચાપત કરી હતી. એટલું જ નહીં, આસિસ્ટન્ટ ઇન્ચાર્જની ખોટી સહીઓ પણ કરી હતી.
કંપનીના નવા ડિરેક્ટર સહિતના જવાબદાર અધિકારીઓએ કફ પરેડ પોલીસ સ્ટેશને ફરિયાદ કર્યા બાદ મુકેશ શાહ વિરુદ્ધ કંપનીનાં નાણાંની ઉચાપત અને છેતરપિંડીના કેસમાં એફઆઇઆર નોંધાયો હતો. પોલીસને જાણવા મળ્યું છે કે હવે મુકેશ શાહ મીરા રોડમાં રહે છે. તેમણે આટલી મોટી રકમ ક્યાં રોકી કે કઇ કંપનીમાં રોકાણ કર્યું તેની તપાસ પણ શરૂ કરાઇ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer