તમિળનાડુના સંતપ્ત 111 ખેડૂતો વારાણસીમાં મોદી સામે ચૂંટણી લડશે

તમિળનાડુના સંતપ્ત 111 ખેડૂતો વારાણસીમાં મોદી સામે ચૂંટણી લડશે
અમદાવાદ, તા. 23 : લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અનપેક્ષિત વર્ગ તરફથી સ્પર્ધાનો સામનો કરી રહ્યા છે. વારાણસીમાં વડા પ્રધાન મોદીની સામે તમિળનાડુના 111 જેટલા સંતપ્ત ખેડૂતોએ ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય લીધો છે.
નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ની સરકાર પ્રત્યે પોતાનો અસંતોષ વ્યક્ત કરવાનો આ ખેડૂતોનો ઉદ્દેશ છે. તેઓ જણાવે છે કે 2014ની ચૂંટણીમાં આપેલાં વચનો પાળવામાં એનડીએ સરકાર નિષ્ફળ નીવડી છે.
તિરૂચી જિલ્લાના તિરમપલયમ ગામનો 30 વર્ષીય ખેડૂત પ્રેમકુમાર જણાવે છે કે તેના અધિકારો અને આજીવિકા માટેની આ લડત છે. એક અંગ્રેજી વાણિજ્ય અખબારને ફોન પર પ્રેમકુમારે જણાવ્યું હતું કે હું વારાણસીમાંથી ઉમેદવારી નોંધાવીશ. વારાણસીમાં અમારા સાથી ખેડૂતોને અમે એવો સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે પાણી તથા કૃષિ ઉત્પાદન માટે `બમણા' ભાવ વિશે ખોટા વચન આપીને અમને કેવી રીતે છેતરવામાં આવ્યા છે.
પ્રેમકુમારના છ સભ્ય માટે આવકનો એકમાત્ર સ્રોત ખેતીવાડી છે. પાંચ એકર જમીન પર તે ડાંગર અને શેરડી ઉગાળે છે પરંતુ છ લાખ રૂપિયાનું કરજ ચૂકવવા અસમર્થ છે. તેના મોટા ભાગના ખેડૂતબંધુઓ ડાંગર, શેરડી અને કેળાં ઉગાળે છે.
તમિળનાડુના વકીલ અને કિસાન નેતા પી. અય્યકન્નુએ કહ્યું હતું કે વારાણસીની ચૂંટણીમાં આ ખેડૂતોને ટેકો આપવા માટે અત્રેથી 250 લોકો તેમની સાથે જોડાશે. ગંગા-કાવેરી એક્સ્પ્રેસમાં ટિકિટો અગાઉથી બુક કરી દેવાઈ છે અને ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ (23 એપ્રિલ) અગાઉ અમે વારાણસી પહોંચી જશું.
જોકે, વડા પ્રધાન મોદી તેમનો કરિશ્મા અને રાજકીય તાકાત સાથે મજબૂત હરીફ છે, પરંતુ અય્યકુન્નનું માનવું છે કે તમિળનાડુના ખેડૂતોની વ્યથા વિશેનો સંદેશો વારાણસીના મતદારોને પહોંચવો જોઈએ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer