માથાભારે કૅબલવાળાઓની દાદાગીરી હજી જેમની તેમ જ

માથાભારે કૅબલવાળાઓની દાદાગીરી હજી જેમની તેમ જ
તેઓ તેમના પોતાના પૅકેજ લેવાની જબરદસ્તી કરી રહ્યા છે, ગ્રાહકોને ચૅનલ પસંદગીનો હક નથી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : ટેલિકૉમ રેગ્યુલેટરી અૉથોરિટી અૉફ ઇન્ડિયા (ટીઆરએઆઈ-ટ્રાઈ)એ ટીવી ગ્રાહકોને પોતાની પસંદગીની ચૅનલો નક્કી કરીને એટલી જ ચૅનલોના પૈસા ભરવાનો અધિકાર આપ્યો હોય તોય કેબલ ચલાવનારાઓની સર્વિસ લેનારા ગ્રાહકો માટે એ યોજના મોંઘી પડી રહી છે. મુંબઈ સહિત રાજ્યભરના ઘણાખરા કેબલ ચલાવનારાઓએ ગ્રાહકોને એ અધિકાર આપવાને બદલે તેઓ પોતે જ અલગ-અલગ પૅકેજ તૈયાર કરીને ગ્રાહકો પાસેથી એ મુજબનાં ભાડાં લેવાની શરૂઆત કરી છે.
ટ્રાઈએ ટીવી-ચૅનલોની પસંદગી સંદર્ભે લાગુ પાડેલા નિયમ પહેલી ફેબ્રુઆરીથી અમલમાં આવ્યા છે. એ નિયમ મુજબ કેબલ અને ડીટીએચ (ડાયરેક્ટ ટુ હોમ) સર્વિસ માટે ચૅનલની એકસમાન દરપ્રણાલી લાગુ કરવામાં આવી. ગ્રાહકોએ તેમને જોઈએ એ ચૅનલ પસંદ કરીને એ મુજબ જ ભાડું આપવું એવી એ યોજના છે. આ નવા નિયમ મુજબ ટાટા સ્કાય, ડિશ ટીવી જેવા ડીટીએચ ચલાવનારાઓએ ગ્રાહક સેવા આપવાની શરૂઆત કરી છે; પરંતુ સ્થાનિક કેબલ ચલાવનારાઓએ ફક્ત તેમના નવા નિયમ મુજબ સર્વિસ આપવાની શરૂઆત કરી નથી, જેથી અમુક જ ચૅનલ જોનારા ગ્રાહકો તેમની પસંદગી મુજબની ચૅનલ નક્કી કરી શકતા નથી. બીજી તરફ કેબલનું મહિનાનું ભાડું પણ વધી રહ્યું છે.
ગણતરીની ચૅનલ જોનારાઓ અને એટલી જ ચૅનલ જોવાનું નક્કી કરનાર ગ્રાહકોનાં ભાડાં નવા નિયમને લીધે ઓછાં થયાં હોત, પરંતુ અનેક કેબલચાલકોએ 400થી 600 રૂપિયા સુધીનાં અલગ-અલગ પૅકેજ લેવાની ફરજ ગ્રાહકોને પાડતાં એ અધિકાર હજી સુધી કાગળ પર જ રહ્યો છે. વિવિધ ચૅનલનાં પૅકેજ ભેગાં કરવાથી ભાડાં વધ્યાં છે. એમાં વળી `નેટવર્ક કૅપેસિટી'નો વધારાનો બોજ પણ ગ્રાહકોને માથે મારવામાં આવ્યો છે. સ્થાનિક કેબલચાલકો ગ્રાહકો પાસેથી મુંબઈમાં 300થી લઈને 800 રૂપિયા મહિનાનું ભાડું પડાવે છે, એવી ફરિયાદ કરતાં અનેક લોકો કહે છે ``વધારાના રૂપિયા આપવા છતાં આપણી પસંદગીની ચૅનલ જોવા મળતી નથી. હવે નવા ફોર્મ અપાયાં છે. કોને ખબર અગાઉની માફક 250-300 રૂપિયામાં દુનિયાભરની ચૅનલ જોવા મળતી હતી, હવે દરેક ચૅનલના પૈસા ઉપરાંત વધારાના રૂપિયા ભરવા પડે છે. કોને ખબર અગાઉ જેવી ચૅનલની મોકળાશ કયારે મળશે?''

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer