મુંબઈ આવતી કાલથી વધુ તપશે

મુંબઈ આવતી કાલથી વધુ તપશે
મરાઠવાડા સહિત મધ્ય મહારાષ્ટ્રમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ

મુંબઈ, તા. 23 : પૂર્વ તરફથી વહેતા તીવ્ર ઉષ્ણ પવનને પરિણામે મરાઠવાડા સહિત મધ્ય મહારાષ્ટ્રમાં અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે અને આખું અઠવાડિયું આવી જ હાલત રહેશે, એવું મુંબઈ પ્રાદેશિક હવામાન ખાતાનાં સંચાલિત શુભાંગી ભૂતેએ જણાવ્યું છે. મહત્ત્વનું ગણીએ તો મુંબઈનું મિનિમમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ નોંધાતું હોય તોય 25 માર્ચ બાદ મુંબઈનું તાપમાન 25 ડિગ્રીએ પહોંચશે એવું તેમણે ઉમેર્યું છે.
ભારતીય હવામાનશાસ્ત્ર વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં ગોવા સહિત સંપૂર્ણ રાજ્યમાં હવામાન સૂકું રહ્યું હતું. કોકણ, ગોવા અને વિદર્ભના અમુક હિસ્સામાં તાપમાનમાં ઍવરેજના હિસાબે ખાસ્સો ઘટાડો થયો છે. મધ્ય મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં અને કોંકણ, ગોવાના અમુક ભાગોમાં તાપમાનમાં થોડો ઘટાડો થયો છે; પણ વિદર્ભના અમુક વિસ્તારોમાં તાપમાનમાં વધારો થયો છે. રાજ્યના અમુક વિસ્તારોમાં મિનિમમ અને મૅક્ઝિમમ ઍવરેજ તાપમાન નોંધાયું છે. દરમિયાન પૂર્વ તરફથી વહજા ઉષ્ણ પવનના પ્રભાવને લીધે 25 માર્ચ પછી મુંબઈમાં બફારો વધશે એટલે મે મહિના પૂર્વે જ મુંબઈગરાઓએ ઉકળાટ સહન કરવાનો વારો આવશે.
રાજ્યનું હવામાન સૂકું રહેશે
24 માર્ચે મરાઠવાડામાં અમુક ઠેકાણે વરસાદની આગાહી કરવામાં આવી છે. કોકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં હવામાન સુકૂં રહેશે. 25 માર્ચે મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભમાં અમુક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે. કોકણ અને ગોવામાં હવામાન સૂકું રહેશે. 26 માર્ચે ગોવા સહિત સંપૂર્ણ રાજ્યમાં હવામાન સૂકું રહેશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer