લગ્નમાં ચૂંટણીનું વિઘ્ન

લગ્નમાં ચૂંટણીનું વિઘ્ન
મૅરેજ હૉલ મતદાન કેન્દ્ર બનતાં 40 પ્રસંગનું લોકેશન બદલવું પડશે

નવી મુંબઈ, તા. 23 : લોકસભાની ચૂંટણી માટે નેરુળનું આગરી-કોળી ભવન જિલ્લા અધિકારીઓએચૂંટણીના કામ માટે આરક્ષિત કર્યું હોવાથી 40 લગ્ન સમારંભ માટે મુશ્કેલી સર્જાઈ છે. કેટલાય મહિના અગાઉથી હૉલ બુક કરાવનાર કુટુંબીજનો માટે માનસિક ત્રાસ ઊભો થયો છે. નેરુળમાં લગ્ન સમારંભ માટે આગરી-કોળી ભવનને મોકાની જગ્યા માનવામાં આવે છે, પરંતુ હવે ચૂંટણી માટે આ ભવનની નિમણૂક થતાં છેલ્લા સમયે નવા હૉલ શોધવા માટે વર અને કન્યા પક્ષના લોકોએ દોડધામ કરવાનો વારો આવ્યો છે. ચૂંટણી માટે કોઈ પણ જગ્યા તાબામાં લેવાનો હક જિલ્લા અધિકારીઓને હોય છે, પરંતુ છ-આઠ મહિના પહેલાં હૉલ બુક કરાવનારા ગ્રાહકોને કોઈ અધિકાર છે કે નહીં એ પ્રશ્ન ઊભો થયો છે. 
સિડકો નિર્મિત આગરી-કોળી ભવન નવી મુંબઈમાં મોકાની જગ્યા છે. નેરુળના મધ્યવર્તી ઉપનગરમાં પામ બીચ માર્ગ પર હોવાથી અહીં અનેક લગ્ન સમારંભ, રાજકીય મેળાવડા, સભા, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે થાય છે. લગ્ન સમારંભ માટે 6 મહિના પહેલાં હૉલ બુક કરાવવો પડે છે. ચૂંટણીના સમયગાળા દરમ્યાન અહીં 40 લગ્ન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ચૂંટણીના કામ માટે થાણે જિલ્લા અધિકારીઓએ આ ભવન 20 એપ્રિલથી 25 મે સુધી આરક્ષિત કરવા માટે સિડકોને પત્ર મોકલ્યો છે. જિલ્લા અધિકારીઓએ પ્રત્યક્ષ મુલાકાત પણ લીધી છે, પરંતુ આ બાબતે હજી સુધી કોઈ ભૂમિકા જાહેર ન થઈ હોવાથી લોકો ગૂંચવણમાં મુકાયા છે. 
ભવનમાં બીજા માળે 1000 લોકોને સમાવવાની ક્ષમતાવાળો મોટો હૉલ છે. આ હૉલ માટે ભાડા સહિત 15,452 રૂપિયા ડિપૉઝિટ ભરવી પડે છે. 40 કુટુંબોએ આટલા રૂપિયા ભરીને હૉલ બુક કરાવ્યો હોવા છતાં અત્યારે `ન ઘરના ન ઘાટના' જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer