ફ્લૅટનો કબજો સાત વર્ષ મોડો આપવા બદલ

ફ્લૅટનો કબજો સાત વર્ષ મોડો આપવા બદલ
ડેવલપરને મૂળ રકમ પર 10.70 ટકા વ્યાજ ચૂકવવા `મહારેરા'નો આદેશ

મુંબઈ, તા. 23 : ફ્લૅટનો કબજો આપવામાં લગભગ 7 વર્ષનો વિલંબ કરવા તેમ જ એગ્રીમેન્ટમાં જણાવ્યા પ્રમાણે સ્વિમિંગ પૂલની સુવિધાથી વંચિત રાખવા માટે મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી અૉથોરિટીએ (મહારેરા) સંભવત: એવા પ્રથમ કેસમાં એક ફ્લૅટધારકને 57 લાખ રૂપિયાની રકમ પર વાર્ષિક 10.70 ટકાના દરે વ્યાજ અને સ્વિમિંગ પૂલની સુવિધા નહીં આપવા માટે 50 હજારનો દંડ ચૂકવવા એક ડેવલપરને આદેશ આપ્યો છે.
ડેવલપર નંદરાજ ડેવલપર્સે જાન્યુઆરી 2011થી માર્ચ 2018 સુધીના સમય માટે ફ્લૅટધારક લક્ષ્મણ ચેક્કાલાને વ્યાજ ચૂકવવું પડશે. ચેક્કાલાએ લાલબાગમાં 11 માળની રૉયલ રેસિડેન્સીની `સી' બિલ્ડિંગમાં ફ્લૅટ નં. 201 બુક કરાવ્યો હતો. તેમણે ફ્લૅટનો કબજો વિલંબથી આપવા બદલ એટલા સમયનું વ્યાજ ચૂકવવા અને સ્વિમિંગ પૂલની સુવિધાથી વંચિત રાખવા બદલ ડેવલપર વિરુદ્ધ `મહારેરા'માં ફરિયાદ નોંધાવી હતી. આ સંદર્ભનો એગ્રીમેન્ટ તેમણે સપ્ટેમ્બર 2009માં કર્યો હતો.
ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેમને જાન્યુઆરી 2011ની 23 તારીખે ફ્લૅટનો કબજો આપવાનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ તેમને કબજો છેક માર્ચ, 2018માં આપવામાં આવ્યો હતો.
ચેક્કાલાએ એવી ફરિયાદ પણ કરી હતી કે ફ્લૅટની પૂરી કિંમત 57 લાખ રૂપિયા ચૂકવી દીધી હોવા છતાં એગ્રીમેન્ટમાં જણાવ્યા મુજબની સુવિધાઓ આપવામાં આવી નહોતી. તેમ જ એક્યુપન્સી સર્ટિફિકેટ (ઓસી) અંગે પણ જુઠ્ઠાણુ ચલાવાયું હતું.
તેમણે વાર્ષિક 10 ટકાના દરે વ્યાજની દાદ ચાહી હતી. ડેવલપર વતી હાજર રહેલા ધારાશાસ્ત્રી શશિકાંત કદમે એવી રજૂઆત કરી હતી કે એગ્રીમેન્ટની કલમ 11માં સ્પષ્ટ જણાવ્યું હતું કે ડેવલપરનાં નિયંત્રણમાં ન હોય એવા કારણોસર ફ્લૅટનો કબજો આપવામાં વિલંબ થઈ શકે છે.
ફ્લૅટનો કબજો આપવામાં વિલંબ કરવા માટે ડેવલપર જવાબદાર છે એવું રુલિંગ આપતા `મહારેરા'ના સભ્ય માધવ કુલકર્ણીએ જણાવ્યું હતું કે ડેવલપરે ચેક્કાલા સાથે કરેલા એગ્રીમેન્ટમાં પણ આ પ્રોજેક્ટ એસઆરએનો છે તેનો ઉલ્લેખ કર્યો નથી અને `બી' બિલ્ડિંગમાંના 21 ફ્લૅટનો કબજો મુંબઈ મહાપાલિકાને અપાય એ બાદ જ પાંચ માળ પછી બીલ્ડરને સીસી આપવામાં આવશે એવું પણ ક્યાંય જણાવાયું નહોતું.
ચેક્કાલા વતી દલીલ કરતા ઍડ્વોકેટ નિલેશ ગાલાએ જણાવ્યું હતું કે એગ્રીમેન્ટનાં ત્રીજા શિડયુલમાં એ, બી, સી, વિંગમાં પૂરી પાડવામાં આવનારી એમેનીટીઝનું લિસ્ટ આપવામાં આવ્યું છે. જેમાં સ્વિમિંગ પૂલ અને હેલ્થ સ્પાનો પણ સમાવેશ છે. ડેવલપર વતી રજૂ કરાયેલી દલીલોને નકારી કાઢતાં મહારેરાએ જણાવ્યું હતું કે એગ્રીમેન્ટમાં જણાવ્યા પ્રમાણે ચેક્કાલાને સ્વિમિંગ પૂલની સુવિધાથી વંચિત રાખવામાં આવ્યા છે અને તેઓ વળતર મેળવવા હકદાર છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer