આઇપીએલની પ્રથમ મૅચમાં બૅન્ગલોરનો ધબડકો, ચેન્નઈની જીત

આઇપીએલની પ્રથમ મૅચમાં બૅન્ગલોરનો ધબડકો, ચેન્નઈની જીત
પાર્થિવ પટેલ સિવાય કોઈ ખેલાડી ડબલ અંકે ન પહોંચ્યો : ધોનીના ધુરંધરોએ મેળવ્યો વિજય

ચેન્નઈ, તા. 23 : ચેન્નઈમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર અને ચેન્નઈ સુપર કિંગ્સની મૅચ સાથે જ આઇપીએલની 12મી સીઝનની શરૂઆત થઈ હતી. પહેલી મૅચમાં ચેન્નઈએ ટૉસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરી હતી અને ચેન્નઈનો આ નિર્ણય અસરકારક સાબિત થયો હોય એમ બૅન્ગલોરની ટીમનો રકાશ થયો હતો જેમાં આખી ટીમ 70 રનના સ્કોરે અૉલઆઉટ થઈ હતી. એના જવાબમાં ચેન્નઈએ સરળતાથી સ્કોર પાર પાડયો હતો અને જીત મેળવી હતી. 
પહેલાં બૅટિંગમાં ઊતરેલી બૅન્ગલોરની ટીમને પહેલો ઝટકો 16 રનના સ્કોરે વિરાટ કોહલીના રૂપમાં લાગ્યો હતો જે માત્ર 6 રને આઉટ થયો હતો. ત્યાર બાદ 28ના સ્કોરે મોઇન અલી, 38ના સ્કોરે ડિવિલિયર્સ સહિત એક પછી એક વિકેટો પડી હતી. 
આ દરમિયાન પાર્થિવ પટેલે સૌથી વધુ 29 રન કર્યા હતા. જોકે બાકીનો કોઈ પણ ખેલાડી ડબલ અંક સુધી પહોંચી શક્યો નહોતો. ચેન્નઈ તરફથી હરભજન સિંહ અને ઇમરાન તાહિરે 3-3 વિકેટ લીધી હતી; જ્યારે રવીન્દ્ર જાડેજાને બે અને બ્રાવોને એક વિકેટ મળી હતી.  બૅન્ગલોરના પડકાર સામે ચેન્નઈએ પહેલી વિકેટ માત્ર 8 રને ગુમાવી હતી. 
જોકે અંબાતી રાયુડુ અને સુરેશ રૈનાએ ટીમને જીતની નજીક પહોંચાડી હતી જેથી આઇપીએલ-12ની પહેલી જ મૅચમાં ચેન્નઈએ જીતથી ખાતું ખોલાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer