અઝલન શાહ કપમાં ભારતની વિજયી શરૂઆત

અઝલન શાહ કપમાં ભારતની વિજયી શરૂઆત
એશિયન ગેમ્સના ગોલ્ડ મેડાલિસ્ટ જાપાનને 2-0થી હરાવ્યું

ઈપોહ, તા. 23 : ભારતે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારા જાપાનને 2-0થી હરાવીને સુલ્તાન અઝલન શાહ કપ હોકી ટૂર્નામેન્ટમાં અભિયાનનો જોરદાર પ્રારંભ કર્યો છે. વરુણ કુમારે 24મી મિનિટે પેનલ્ટી કોર્નરને ગોલમાં તબદીલ કરીને ભારતને સરસાઈ અપાવી હતી. ત્યારબાદ સિમરનજીત સિંહે 55મી મિનિટે કેપ્ટન મનપ્રીત સિંહના શાનદાર પાસ ઉપર ગોલ દાગ્યો હતો. જેનાથી પાંચ વખતની ચેમ્પિયન ટીમ ત્રણ અંક મેળવવામાં સફળ રહી હતી.
ભારતીય ટીમ હવે આગામી લીગ મેચમાં રવિવારે કોરિયા સામે ટકરાશે. ત્યારબાદ 26 માર્ચે મલેશિયા, 27 માર્ચે કેનેડા અને 29 માર્ચે કેનેડા સામે મુકાબલો થશે. રાઉન્ડ રોબિન લીગ તબક્કામાં બે શિર્ષ ટીમ 30 માર્ચના થનારા ફાઈનલ મેચમાં રમશે. ભારત અને જાપાન સામેના મેચમાં પહેલા ક્વાર્ટરમાં કોઈ ગોલ થઈ શક્યો નહોતો પણ ભારતે મેચ ઉપર ધીમી ગતીએ દબાણ બનાવવાનું શરૂ કર્યું હતું. બીજા ક્વાર્ટરમાં 8 મિનિટ થઈ હતી ત્યાં ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો હતો. જેના ઉપર વરુણે ગોલ કર્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં જાપાનને પણ પેનલ્ટી કોર્નર મળ્યો હતો. પરંતુ ભારતે તેને નિષ્ફળ બનાવ્યો હતો. મેચની 55મી મિનિટે જાપાને વાધારાના ખેલાડી માટે ગોલકિપરને હટાવ્યો હતો. પરંતુ આ નિર્ણય ભારે પડયો હતો અને ભારતે તેનો ફાયદો ઉઠાવતા વધુ ગોલ દાગ્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer