ગૂગલ પે ઍપથી સોનાની ખરીદી હવે કરી શકાશે

મુંબઈ, તા. 23 : ગૂગલ પે એપ્લિકેશનથી સોનું ખરીદી શકાય એ દિવસો હવે દૂર નથી. ઇન્ટરનેટ ક્ષેત્રની દિગ્ગજ કંપની ગૂગલ એક એવી સેવાને અંતિમ રૂપ આપી રહી છે, જે દ્વારા ભારતીયો `ગૂગલ પે'થી સોનું ખરીદી શકશે.
ગૂગલ `ગોલ્ડ એકાઉન્ટ' શરૂ કરી રહી છે, જે એક ગોલ્ડ લિંકડ સેવિંગ એકાઉન્ટ યોજના હશે. જેના દ્વારા લોકો બજારના ભાવે સોનું ખરીદવાની સાથે હકીકતમાં નહીં એવા વર્ચ્યુઅલ રૂપે સોનું રાખી શકશે અને પછી સોનાના સિક્કા અથવા રોકડ રૂપમાં તે વટાવી શકશે.
આ સાથે વેલ્થ મૅનેજમેન્ટ સર્વિસીસમાં ગૂગલનો પ્રવેશ થશે. સપ્ટેમ્બર, 2017માં `તેજ'રૂપે શરૂ કરાઈ, ત્યારે ગૂગલે કહ્યું હતું કે 25 લાખ લોકો દર મહિને આ એપ્લિકેશનનો વપરાશ કરે છે. આ એવા લોકો છે જે દેશમાં ઓછામાં ઓછા એક વખત આ એપ્લિકેશનનો વપરાશ કરે છે.
ગોલ્ડ એકાઉન્ટ સક્રિય કરવા માટે ઉપભોગકર્તાએ નો યોર કસ્ટમર (કેવાયસી)ને લગતી ઔપચારિકતા પૂરી કરવી પડશે. આ ઔપચારિકતાઓ પૂરી થયા બાદ ગૂગલ ઍપના વપરાશ થકી વર્ચ્યુઅલ ગોલ્ડ યુનિટ ખરીદ કરી શકે છે. ખાતામાં જમા સોનાના યુનિટના વર્તમાન ભાવ દેખાશે. એકવાર ન્યૂનતમ માત્રા એટલે કે વાસ્તવિક સોનાના એક ગ્રામ જેટલી થવાથી એને વાસ્તવિક સોનાના રૂપે અથવા રોકડ સ્વરૂપે મેળવી શકાશે. જોકે, આ સેવા ક્યારે શરૂ થશે એવું પૂછતાં ગૂગલ ઈન્ડિયાના પ્રવકતાએ ઉત્તર આપવાનું ટાળ્યું હતું.
નિયમ અને શરતોવાળા પેજ પર ગૂગલે કહ્યું છે કે એમએમટીસી-પીએએમસી સોનાનું વેચાણ, આપૂર્તિ અને પુન: ખરીદી તેમ જ અન્ય સંબંધિત સેવાઓ માટે જવાબદાર હશે. સોનાને લગતી બધી જ લેણ-દેણ એમએમટીસી-પીએએમપી અને એમના ગ્રાહકો વચ્ચે હશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer