પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મ : જાવેદ અખ્તર બાદ હવે સમીરે પણ દર્શાવી નારાજગી

ગીતકારે આશ્ચર્ય દર્શાવ્યા બાદ ફિલ્મકારોની સ્પષ્ટતા : જૂનાં ગીતો લીધાં હોવાથી ક્રેડિટ આપી

મુંબઈ, તા.23 : નિર્દેશક ઓમંગકુમારની આગામી ફિલ્મ `પીએમ નરેન્દ્ર મોદી' ફરી નવા વિવાદમાં સપડાઈ છે. જાવેદ અખ્તર બાદ હવે ગીતકાર સમીરે પણ ફિલ્મમાં પોતાનું નામ જોઈને નારાજગી દર્શાવી છે. દરમ્યાન, બચાવમાં આવેલા ફિલ્મકારોએ એવી સ્પષ્ટતા કરી હતી કે જાવેદ અખ્તર અને સમીરના જૂનાં ગીતોને ફિલ્મમાં સમાવવામાં આવ્યાં હોવાથી તેમને પોસ્ટરમાં ક્રેડિટ આપવામાં આવી હતી.
જાવેદ અખ્તરની જેમ જ સમીરે પણ પોતાના નામના ઉપયોગ બદલ નારાજગી દર્શાવી હતી. તેમણે ટ્વિટ કરી હતી કે મારું નામ પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મમાં જોઈને મને આશ્ચર્ય છે. મેં આવી કોઈ ફિલ્મમાં કોઈ ગીત લખ્યું નથી.
 જાવેદ અખ્તરે પણ ગઈકાલે ફિલ્મમાં પોતાના નામ સામે આશ્ચર્ય દર્શાવ્યું હતું. તેમણે લખ્યું હતું કે હું ફિલ્મના પોસ્ટરમાં મારું નામ જોઈને સ્તબ્ધ છું. મેં ફિલ્મ માટે કોઈ જ ગીત લખ્યું નથી.
દરમ્યાન, જાગેલા વિવાદને પગલે ફિલ્મના નિર્માતા સંદીપ સિંહે એવી સ્પષ્ટતા કરી હતી કે ફિલ્મની ટીમે તેમના જૂનાં ગીતો લીધાં હતાં.  સંદીપે કહ્યું કે તેઓએ નરેન્દ્ર મોદીની બાયોપિકમાં જાવેદ અખ્તરના `1947: અર્થ' ફિલ્મના `ઈશ્વર અલ્લાહ' ગીતને લીધું હતું એ જ રીતે ફિલ્મમાં `દસ'નું `સૂનો ગૌર સે દુનિયા વાલોં..' ગીત પણ લેવાયું છે જે સમીરે લખ્યુ હતું અને તેથી આ બંનેને પોસ્ટરમાં અન્ય ગીતકારો સાથે સ્થાન આપવામાં આવ્યું છે. ટી-સીરિઝ અમારી મ્યુઝિક પાર્ટનર છે એમ નિર્માતાએ આજે ટ્વિટર પર મૂકેલી પોસ્ટમાં જણાવ્યું હતું.
ફિલ્મ સામે મનસે મેદાનમાં
લોકસભાની ચૂંટણીના સમયગાળામાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પરથી બનેલી ફિલ્મ `પીએમ નરેન્દ્ર મોદી'ની રજૂઆત ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન છે, એમ જણાવીને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ આ ફિલ્મની રજૂઆત અટકાવી દેવાની ધમકી આપી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer