મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ 24 તો એનસીપી

20 બેઠક લડશે, મિત્ર પક્ષોને ચાર બેઠક

મુંબઈ, તા.23 : લોકસભાની આગામી ચૂંટણીમાં મહારાષ્ટ્રની તમામ 48 બેઠકોની વહેંચણી કૉંગ્રેસ અને એનસીપી વચ્ચે થઇ ગયાની જાહેરાત આજે કરાઇ હતી. આ વહેંચણી પ્રમાણે રાજ્યની તમામ 48 બેઠકોમાંથી 24 બેઠક પર કૉંગ્રેસ અને 20 બેઠકો પર એનસીપી ઉમેદવારી કરશે. આ જાહેરાત કરતા સંયુક્ત પત્રકાર પરિષદમાં કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અશોક ચવ્હાણે કહ્યું હતું કે બાકીની ચાર બેઠકોમાંથી બે બેઠક પર ખેડૂત નેતા રાજુ શેટ્ટીની સ્વાભિમાની શેતકરી સંઘટના ઉમેદવારી કરશે જ્યારે એક બેઠક હિતેન્દ્ર ઠાકુરની બહુજન વિકાસ આઘાડી અને એક બેઠક યુવા સ્વાભિમાન પક્ષને આપવામાં આવી છે. કૉંગ્રેસ-એનસીપીના આ ગઠબંધનને 17 નાના પક્ષોનો ટેકો હોવાનું અશોક ચવ્હાણે કહ્યું હતું.
આજે વાઇરલ થયેલી એક અૉડિયો ટેપમાં રાજ્યના ઉમેદવારો નક્કી કરવામાં વિશ્વાસમાં ન લેવાયાનું કહીને અશોક ચવ્હાણ રાજીનામું આપવાનું વિચારી રહ્યાંનું સંભળાઇ રહ્યું છે. પત્રકારોએ આ ટેપ વિશે સવાલ કરતાં અશોક ચવ્હાણે કહ્યું હતું કે આવી કોઇ ટેપ વિશે મને જાણકારી નથી. આ સાથે જ તેમણે સ્વીકાર્યું હતું કે  ચંદ્રપુરની બેઠકના ઉમેદવાર વિનાયક બાનગડેને નક્કી કરવામાં એક વિવાદ હતો. કેટલાક કાર્યકરોએ ફરિયાદ કરી હતી પરંતુ હવે એ મામલો શાંત થઇ ગયો છે.
આજે કાંદિવલીમાં ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાનની સભા
ભાજપના ઉત્તર મુંબઈના સંસદસભ્ય અને ઉમેદવાર ગોપાલ શેટ્ટીના સમર્થનમાં 24 માર્ચે સાંજે 6 વાગ્યે કાંદિવલી (પશ્ચિમ)માં મિલાપ સિનેમાની પાછળ આવેલા ગોરસવાડી મેદાનમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ગોપાલ શેટ્ટી, ભાજપના મુંબઈ એકમના વડા આશિષ શેલાર અને ચારકોપના વિધાનસભ્ય યોગેશ સાગર સંબોધન કરશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer