ચૂંટણી પૂર્વે વડા પ્રધાન મોદી દ્વારા `મૈં ભી ચૌકીદાર'' અભિયાન શરૂ

ચૂંટણી પૂર્વે વડા પ્રધાન મોદી દ્વારા `મૈં ભી ચૌકીદાર'' અભિયાન શરૂ
વીડિયોમાં કેન્દ્ર સરકારનાં કાર્યોનો ઉલ્લેખ કરાયો 

પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી,તા. 16 : ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીને લઇને જોરદાર  તૈયારી શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ મારફતે એક વીડિયો જારી કરીને કેટલીક બાબતો રજૂ કરી છે. મોદીએ ટ્વિટર હેન્ડલથી વીડિયો જારી કરીને `મૈં ભી ચોકીદાર'  નામથી ઝુંબેશ શરૂ કરી છે. આ વીડિયોમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા કામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વીડિયોના છેલ્લે 31મી માર્ચના દિવસે સાંજે છ વાગે વડાપ્રધાન મોદી સાથે જોડાવા માટે અપીલ કરી હતી.
મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે આપનો ચોકીદાર કોઇ પણ ડર વગર મક્કમતાની સાથે આગળ વધી રહ્યો છે. દેશની સેવામાં લાગેલો છે. પરંતુ અહીં તે એકલા નથી. દરેક એ વ્યક્તિ જે ભ્રષ્ટાચાર, ગંદકી, સામાજિક દૂષણથી લડવા માંગ છે તે ચોકીદાર છે. જે વ્યક્તિ પણ દેશ માટે વિકાસ કરવા ઇચ્છુક છે તે ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહે છે કે તે ચોકીદાર છે. મોદીએ ટ્વીટર પર 3.45 મિનિટના વીડિયોને રજૂ કરવામાં આવ્યા બાદ તેની ચારેબાજુ ચર્ચા છે. મોદી હવે લોકસભા ચૂંટણીને લઇને એક્શનના મૂડમાં આવી ગયા છે. વીડિયોમા સરકારના કામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ મોદી હવે જાહેર પ્રચાર માટેની જવાબદારી પણ સંભાળી લેવા માટે  સંપૂર્ણપણે તૈયાર છે.
31મી માર્ચના દિવસે કોઇ મોટો કાર્યક્રમ થનાર છે તેમ માનવામાં આવે છે. લોકસભાની ચૂંટણીમાં આ વખતે કેટલાક મુદ્દા મુખ્ય રીતે ગરમી જગાવનાર છે. જેમાં પુલવામા હુમલાનો સમાવેશ થાય છે. સાથોસાથ પોકમાં ત્રાસવાદી કેમ્પોને ફૂંકી મારવાના સાહસી નિર્ણયનો પણ સમાવેશ થાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer