ક્રાઇસ્ટચર્ચની કરુણાંતિકા હુમલાખોર બ્રેન્ટન કોર્ટમાં રજૂ

ક્રાઇસ્ટચર્ચની કરુણાંતિકા હુમલાખોર બ્રેન્ટન કોર્ટમાં રજૂ
પાંચમી સુધી રિમાન્ડ પર  

ગન કાયદા સુધારવા પીએમ જેસિન્ડા આર્ડન કટિબદ્ધ

ક્રાઈસ્ટચર્ચ તા. 16: ન્યુઝીલેન્ડની બે મસ્જિદોમાં 49 નિર્દોષોનો ભોગ લેનાર અને ડઝનબંધને ઘાયલ કરનાર અંધાધૂંધ ગોળીવર્ષાના નરસંહારના મુખ્ય શકમંદ બ્રેન્ટન હેરિસન ટારાન્ટ (28)ને  આજે અહીની ડિસ્ટ્રિકટ કોર્ટમાં રજુ કરાયો હતો. આ ઓસ્ટ્રેલિયન નાગરિક પર હત્યાનો આરોપ મુકાવા સાથે તેને આગામી પાંચમીએ સાઉથ આઈલેન્ડ સિટીની હાઈ કોર્ટમાં રજૂ કરાવા સુધી રિમાન્ડ પર લેવાયો છે. અલ નૂર મસ્જિદમાંના ગોળીબાર વેળા તેના માથા સાથે એટેચ કરાયેલો કેમેરા, ખોફનાક વીડિયોગેમ પેઠે તેના શત્રની બેરલને અનુસરતો હતો ! બીજી મસ્જિદમાંની કોઈ તસવીર બહાર આવી નથી. તેની સામે વધુ આરોપો મુકાવા વકી હોવાનું પોલીસ જણાવે છે. 
  હુમલાને આતંકવાદ તરીકે ઓળખાવતાં વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને દેશમાંના બંદૂક ધરાવવા સંબંધિત કાયદા સુધારવાનો સંકલ્પ જાહેર કર્યો હતો.  ગન હિંસાનું નીચું પ્રમાણ ધરાવતા દેશના તમામ મોટા શહેરોમાંના કેટલાક લોકેશન્સમાં સશત્ર પોલીસ જે માત્રામાં તૈનાત કરાઈ છે તે અસામાન્ય છે. દેશની સલામતી સામેના ખતરાને સર્વોચ્ચ સ્તરે મુકાયો છે. અલ નૂર હોસ્પિટલમાંના ગોળીબારમાં 41 જણા અને પાસેની લિનવુડ મસ્જિદમાં 7 જણા માર્યા ગયા હતા, એકે હોસ્પિટલમાં દમ તોડયો હતો. કેટલાક ઘાયલોની હાલત કટોકટીભરી છે. (ન્યુઝીલેન્ડમાં મુસ્લિમો કુલ વસતિના એક ટકો જ છે)
 બંદૂકધારીને  અલ નૂરમાંથી લિનવુડ ઉપનગરમાંની મસ્જિદમાં જતાં 7 મિનિટ લાગી હતી.
 આઈઈડી (વિસ્ફોટકો) ભરેલી કારમાંથી હુમલાખોરની ધરપકડ થઈ હતી અને તેના વાહનમાં વધુ બે ફાયરઆર્મ્સ પણ હતા અને હુમલો ચાલુ રાખવાનો તેનો સ્પષ્ટ ઈરાદો હતો એમ વડા પ્રધાને ક્રાઈસ્ટચર્ચ ખાતે પત્રકારોને જણાવતા ઉમેર્યુ હતુ કે લાયસન્સધારી ગનનો માલિક મુખ્ય શકમંદે બે સેમી ઓટોમેટીક ગન્સ અને બે શોટ ગન સહિત પાંચ શત્ર વાપર્યા હતા. આ હુમલામાં અન્ય શૂટર્સ હતા કે કેમ તે હજી સ્પષ્ટ થયું નથી.
કસ્ટડીમાં લેવાયેલા અન્ય બેની સંડોવણી શી છે તે સમજવા પોલીસ મથી રહી છે. ધરપકડ કરાયેલા કોઈ પણ શખસ ગુનાઈત ઈતિહાસ ધરાવતા નથી તેમ જ ન્યુઝીલેન્ડ કે ઓસ્ટ્રેલિયામાંના વોચલિસ્ટમાં નથી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer