મસૂદ મામલે ચીન ચોમેરથી ઘેરાયું : ભારતને 14 દેશોનો ટેકો

મસૂદ મામલે ચીન ચોમેરથી ઘેરાયું : ભારતને 14 દેશોનો ટેકો
ચીન સાથે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સની ચર્ચા ચાલુ

વોશિંગ્ટન, તા. 16 : પુલવામા હુમલા જેવા હિંસક કૃત્યો કરનાર આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને વૈશ્વિક આંતકવાદી ઘોષિત કરવા માટે ચોમેરથી દબાણ ઊભું કરવા પ્રયત્નશીલ ભારતને યુનોની સુરક્ષા પરિષદના સભ્ય 14 દેશોનું સમર્થન મળ્યું છે.
અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન આ મામલે છેલ્લા 50 કલાક કરતાં વધુ સમયથી લગાતાર ચીન સાથે ચર્ચા કરી રહ્યા હોવાનું જાણવા
મળે છે.
પ્રયાસો પછીયે મસૂદને વૈશ્વિક આતંકી જાહેર નહીં કરાય તો આ ત્રણેય રાષ્ટ્ર યુનોની સૌથી શક્તિશાળી પાંખ યુનો મહાસભામાં મસૂદ મામલે ખુલ્લી ચર્ચાના પ્રસ્તાવ પર પણ વિચાર કરી રહ્યા છે.
એવું મનાઈ રહ્યું છે કે, ચીને મસૂદને આતંકવાદી ઘોષિત કરાય તો તેની ભાષામાં `કેટલાક બદલાવો'નું  સૂચન કર્યું છે. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ એ સૂચનો પર વિચાર કરી રહ્યા છે.
ભારતના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, મસૂદ પર પ્રતિબંધના મામલે અમારી પાસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 14 દેશોનું સમર્થન છે.
ચીન પણ જાણે છે કે, આતંકવાદ એક ગંભીર પડકાર છે અને જૈશનું આખું નેટવર્ક પાકિસ્તાનથી સંચાલિત થાય છે તેવું તેમણે ઉમેર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer