ન્યૂ ઝીલૅન્ડ હુમલો : બહાદુર યુવકે હુમલાખોર પાસેથી ગન છીનવી

ન્યૂ ઝીલૅન્ડ હુમલો : બહાદુર યુવકે હુમલાખોર પાસેથી ગન છીનવી
લાઈનહૂડ મસ્જિદમાં યુવાનની બહાદુરીથી કેટલાય લોકોના જીવ બચ્યા

ક્રાઈસ્ટચર્ચ, તા. 16 : ન્યૂઝિલેન્ડના ક્રાઈસ્ટ ચર્ચમાં થયેલા ભયાનક હુમલામાં પોતાનો જીવ બચાવનારા લોકોએ ખૌફનાક ઘટનાને વર્ણવી હતી. લોકો કહી રહ્યા હતા કે હત્યારો વૃદ્ધ કે બાળક કોઈની દરકાર કર્યા વિના ગોળીબાર કરી રહ્યો હતો. હુમલા પહેલા અનવર અલસલેહ પણ નમાજની તૈયારી કરી રહ્યા હતા અને હુમલો થયો તે મસ્જિદમાં હાજર હતા. જેણે બાથરુમમાં સંતાઈને પોલીસને ફોન કર્યો હતો. બીજી તરફ લાઈનવૂડ મસ્જિદમાં કામ કરતા એક યુવાને મોકો જોઈને હુમલાખોરને પાડી દીધો હતો અને ગન ઝૂંટવી લીધી હતી. જેનાથી અન્ય મસ્જિદમાં વધુ લોકો બચી ગયા હતા. 
લાઈનવુડ મસ્જિદના કિસ્સા વિશે જણાવતા સૈયદ મઝહરુદ્દીન નામના વ્યક્તિએ કહ્યું હતું કે, એક યુવાન હુમલો કરનારા શખસને રોકવાનો પ્રયાસ કર્યો હતો. મસ્જિદનું કામ જોતા આ વ્યક્તિએ હુમલાખોરને મોકો મળતા જોરદાર ધક્કો માર્યો હતો અને બંદૂક છિનવી લીધી હતી. તેમજ ગનનું ટ્રીગર શોધવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે મળ્યું નહોતું આ  દરમિયાન હુમલો કરનારા શખસ નાસી છૂટયો હતો. આ દરમિયાન કાર્લ પોમરે નામના એક સ્થાનીક વ્યક્તિએ અલ નુર મસ્જિદ પાસે ભાગદોડ થતી જોઈ હતી અને લોકોને ઘાયલ જોતાની સાથે જ કાર રોકી હતી અને ઘાયલોને મદદ શરૂ કરી હતી. જેમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે. મદદના કારણે બાળકીને સમયસર સારવાર મળી શકી હતી અને જીવ બચી ગયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer