ન્યૂ ઝીલૅન્ડની કરુણાંતિકામાં ગુજરાતના પાંચ લોકોનાં મૃત્યુ

ન્યૂ ઝીલૅન્ડની કરુણાંતિકામાં ગુજરાતના પાંચ લોકોનાં મૃત્યુ
વડોદરાના પિતા-પુત્ર, અમદાવાદ, સુરત, નવસારીના વતની મૃત્યુ પામ્યાં: ઘાયલોમાં ભરૂચ-આણંદના લોકોનો સમાવેશ
 
અમદાવાદ, વડોદરા, તા. 16:  શુક્રવારે ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં બે મસ્જિદોમાં થયેલા આતંકી હુમલામાં ગુજરાતના પાંચ લોકો મૃત્યુ પામ્યા છે. મૃતકોમાં વડોદરાના પિતા-પુત્ર તેમજ અમદાવાદ, નવસારી, સુરતના લોકોનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાતના જ આણંદ, ભરૂચના લોકો ઘાયલોની યાદીમાં જણાવાઈ રહ્યા છે. 
 નવસારી નજીક અડદાના રહીશ તેમજ 10 વર્ષથી ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયેલા 35 વર્ષીય ઝુનૈદ યુસુફ કારા ગઈકાલે મસ્જિદમાં નમાજ પઢવા માટે ગયા હતા.  ત્યારે જ ગોળી વાગી અને મોતને ભેટયા હતા. આ ઉપરાંત માંગરોળ તાલુકાના લુહારાના હાફીઝ મુસા પટેલ પણ હુમલાનો ભોગ બન્યા હતા. ક્રાઇસ્ટચર્ચની લિનવૂડ મસ્જિદમાં મૌલવી તરીકે સેવા આપતા હાફીઝ મુસા પટેલ પણ ઉપરોક્ત ફાયારિંગમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 
 વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ધાનાની પાર્કમાં રહેતાં 58 વર્ષીય આરિફ મહંમદભાઇ વોરાના 28 વર્ષીય પુત્ર રમીઝ વોરા અને તેમની પત્ની ખુશબૂ થોડાં વર્ષ અગાઉ ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયાં હતાં.  રમીઝ વોરા ન્યૂઝીલેન્ડમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ખુશબૂ ગર્ભવતી હોવાથી આરિફભાઇ અને તેમનાં પત્ની રૂકસાના થોડા સમય પહેલાં ન્યૂઝીલેન્ડ ગયાં હતાં. લગભગ 6 દિવસ અગાઉ જ ખુશબૂએ બાળકીને જન્મ આપ્યો હતો. રૂકસાનાબહેન ખુશબૂ સાથે હોસ્પિટલમાં જ છે. આરિફભાઇ અને પુત્ર રમીઝ ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચની મસ્જિદમાં શુક્રવારની નમાજ અદા કરવા ગયા હતા. એ જ સમયે થયેલા આ આંતકવાદી હુમલામાં પિતા-પુત્રના કરૂણ મોત નીપજયા હતા. તો આણંદનો 21 વર્ષનો સિવિલ એન્જિનિયર મસ્જિદના મિમ્બર પાછળ સંતાઇ જતાં તેનો આબાદ બચાવ થયો હતો. તેવી જ રીતે ભરૂચના લુવારા ગામનો રહીશ હાફિઝ મુસા ગંભીર રીતે ઘાયલ થયો હોવાની વાત આવી છે. અમદાવાદના જુહાપુરાના એક વ્યક્તિ મહેબુબ ખોખરનું પણ મોત થયું છે.  કેટલાક ઘાયલોમાં પણ ગુજરાતના લોકોની યાદી હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
મૃતકોમાં મહેબુબ ખોખર (અમદાવાદના જુહાપુરા), રમીઝ વોરા (વડોદરા, પાણીગેટ), આરિફ વોરા (વડોદરા, પાણીગેટ), ઝુનૈદભાઈ (નવસારી) નો સમાવેશ થાય છે. સુરતના મૃતકનું નામ જાણી શકાયું નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer