કોહલીનું બૅટ બોલશે તો ભારત વિશ્વકપ જીતશે : પોન્ટિંગ

કોહલીનું બૅટ બોલશે તો ભારત વિશ્વકપ જીતશે : પોન્ટિંગ
રિકી પોન્ટિંગે કહ્યું, વિરાટ કોહલી મેદાન ઉપર મારી જેમ રમે છે

નવી દિલ્હી, તા.16: વિરાટ કોહલીના પ્રદર્શનની ઘણી વખત સચિન તેંડુલકર સાથે સરખામણી કરવામાં આવે છે. તેમાં ઘણા સચિન વધારે બેસ્ટ હોવાનું દલીલ કરે છે. જો કે રિકી પોન્ટીંગ બન્નેની સરખામણીમાં વિશ્વાસ રાખતો નથી. પોન્ટીંગના મતે વિરાટ કોહલી અને સચિનની તુલના બેઈમાની છે. સતત ત્રણ વખત વિશ્વકપ વિજેતા બનેલી ટીમનો હિસ્સો રહેલા પોન્ટીંગના કહેવા પ્રમાણે સચિન અને વિરાટ વચ્ચે ઘણા ફરક છે. બન્ને અલગ દોરના બેટ્સમેન છે અને હવે વિકેટ પણ અલગ હોય છે. કોહલીની જેમ સચિનની ટેસ્ટ સરેરાશ પણ સારી હતી. જો કે કોહલી વનડેમાં અવિશ્વસનિય પ્રદર્શન કરે છે અને જો કોહલીનું બેટ બોલશે તો તેઓ ભારતને વિશ્વકપ જીતાડી શકે તેમ છે.
એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં પોન્ટીંગે કહ્યું હતું કે,  વિરાટ કોહલી સ્કેવર ઓફ ધ વિકેટ વધારે રમે છે. જ્યારે સચિન સીધા શોટ્સ વધુ મારતો હતો. આ જ કારણથી બન્નેની તુલના યોગ્ય નથી. આ ઉપરાંત કોહલીની કારકિર્દી પુરી ન થાય ત્યાં સુધી આવી ચર્ચા થવી જોઈએ નહી.  કોહલીની ટેસ્ટ સરેરાશ 50થી વધુ છે. પરંતુ સચિને 200 ટેસ્ટ મેચ સુધી 50થી વધુની સરેરાશ જાળવી રાખી હતી. તેમાં પણ જો વિરાટ કોહલી માટે વિશ્વકપ સારો રહ્યો તો ભારત ટૂર્નામેન્ટ જીતી શકે છે. પોન્ટીંગે ઉમેર્યું હતું કે, વિરાટ કોહલી અને પોતાની રમત એક સમાન લાગે છે અને સ્વભાવ પણ મળતો આવે છે. કોહલી પણ મેદાન ઉપર ખૂબ આક્રમક છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer