બ્રિજની દેખરેખ માટે હવે સ્વતંત્ર અૉથોરિટી રચાશે

મુંબઈ મહાપાલિકા મોડે મોડે કુંભકર્ણી ઊંઘમાંથી જાગી : 374 પુલોની દેખભાળ અને સમારકામની લીધી જવાબદારી
મુંબઈ, તા. 16 : છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) રેલવે સ્ટેશનને અડીને આવેલા હિમાલય બ્રિજનો સ્લૅબ તૂટી પડ્યા બાદ સફાળી જાગી ગયેલી મુંબઈ મહાપાલિકાએ હવે શહેરના અનેક પુલોની ચકાસણી માટે સ્વતંત્ર પ્રાધિકરણ સ્થાપવાનો નિર્ણય લીધો છે. આવતા મહિનાની આખર પહેલાં આ પ્રાધિકરણની સ્થાપના કરવામાં આવશે અને એના પર 374 બ્રિજની દેખભાળ કરવાની તથા સમારકામની જવાબદારી હશે.
દાદાભાઈ નવરોજી માર્ગ પરની બી. ટી. લેનથી સીએસએમટી જતો રાહદારી પુલ ગુરુવારે સાંજે 7.20 વાગ્યે તૂટી પડ્યો હતો અને એમાં 6 વ્યક્તિ મૃત્યુ પામી હતી અને અન્ય 31 લોકો ગંભીર રીતે જખમી થયા હતા. આ દુર્ઘટના બાદ પાલિકાના સત્તાવાળાઓ સફાળા જાગ્યા છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપેલા આદેશ મુજબ પાલિકાના કમિશનર અજોય મેહતાએ આ પ્રકરણની તપાસ કરીને 24 કલાકમાં પ્રાથમિક અહેવાલ રજૂ કરવાનો આદેશ દક્ષતા વિભાગના મુખ્ય એન્જિનિયરોને આપ્યો હતો અને તેઓએ શુક્રવારે સાંજે આ પ્રકરણનો પ્રાથમિક અહેવાલ કમિશનરને સોંપ્યો હતો.
મુંબઈમાં 374 બ્રિજ છે અને એ બ્રિજ માટે પાલિકાના અખત્યાર હેઠળ સ્વતંત્ર પ્રાધિકરણ સ્થાપવું અને એ માટે મુખ્ય પુલ નિરીક્ષકની નિમણૂક કરવી એવી શિફારસ આ અહેવાલમાં કરવામાં આવી છે. જેમ બને એમ વહેલી જરૂરી પ્રક્રિયા પૂરી કરીને એક મહિનામાં આ પ્રાધિકરણની સ્થાપના કરવી જેથી 374 પુલોની દેખરેખ અને એના સમારકામની જવાબદારી એને સોંપી શકાય અને પુલ-દુર્ઘટનાના બનાવોને ખાળી શકાય એવું અહેવાલમાં જણાવાયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer