હોળી પહેલાં કચ્છમાં દિવસ તપવા માંડયો

ભુજ 38 ડિગ્રી સાથે રાજ્યભરમાં સૌથી ગરમ

ભુજ, તા. 16 : હજુ પણ સવાર અને રાત ઠરવાની લંબાયેલી શિયાળુ અસર સાથે દિવસે તડકાની શરૂ થવા માંડેલી અસર તળે વાતાવરણમાં વિષમતા વચ્ચે હોળી તપવા પહેલાં કચ્છમાં દિવસ તપવા માંડયો છે. ઉનાળાની શરૂઆત શનિવારથી થઈ હોય તેમ જિલ્લા મથક ભુજ આજે 38 ડિગ્રી સેલ્સિયસ સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ તપ્યું હતું.
શહેરના જનજીવને હોળીના બરાબર ચાર દિવસ પહેલાં આજે ઉનાળાની અસર અનુભવી હતી. શનિવારની સવાર ઊગ્યા પછી છવાયેલા સૂર્યના સામ્રાજ્યએ ભેજને વેરવિખેર કરી નાખતાં મધ્યાહ્ન ટાણું થવા સુધી હવામાંથી શીતળતા અચાનક અલોપ થઈ ગઈ હતી.
સાંજે છ વાગ્યા પછી પણ તપતા સૂરજનાં કિરણોથી પવનમાં ઠંડકના સ્થાને ઊની અસર વર્તાવા માંડતાં દિવસ લાંબો થવા માંડયો છે.
ખાસ તો વહેલી સવારે અને મોડી રાત્રે હજુ પણ હવામાં શીતળતા સાથે દિવસે ઉનાળુ તપતના કારણે બેવડી ઋતુથી આરોગ્ય પર અવળી અસર થઈ હતી. તાવ, શરદી, ઉધરસ, ગળું પકડાતાં અવાજ બેસી જવા જેવી તકલીફો દેખાવા માંડી છે.
હોળી તપ્યા પછી ઉનાળો જામવા માંડતાં નવા તાપમાનને શરીર સ્વીકારી લેશે, પરિણામે આરોગ્યની ગાડી ફરી પાટે ચડી જશે તેવું વડીલો, જાણકારો જણાવે છે. બીજી તરફ, નલિયામાં દિવસે 34, રાત્રે 15.4 ડિગ્રી સેલ્સિયસ સાથે રાત-દિવસના તાપમાનમાં બમણાથી વધુ તફાવતે ભારે વિષમતા સર્જી હતી.
રાપરમાં 35, માંડવી- મુંદરામાં 34 અને ખાવડામાં 32 ડિગ્રી સાથે વાગડ પંથક, કાંઠાળ પટ તેમજ રણકાંધીનાં ગામડાં પણ તપવા માંડયાં હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer