જૈશ-તાલિબાન હુમલાનો કારસો ઘડી રહ્યાંનો ગુપ્તચર તંત્રનો ધડાકો?

આઇએસઆઇ દ્વારા નવો ગેમપ્લાન : પાકમાં આતંકી જૂથોની ગુપ્ત બેઠક

નવી દિલ્હી, તા. 16 :?પાકિસ્તાન પર તેની ભૂમિ પરથી સક્રિય આતંકવાદી જૂથો વિરુદ્ધ કડક પગલાંના વધતા વૈશ્વિક દબાણ વચ્ચે ભારતીય ગુપ્તચર એજન્સીઓએ ભારતમાં હિંસાથી આતંક મચાવવા માટેના પાકના નવા `ગેમ પ્લાન' અંગે ધડાકો કર્યો છે.
ભારતની ગુપ્તચર એજન્સીઓ તરફથી મળતી બાતમી મુજબ પાકની નઠારી ગુપ્તચર એજન્સી આઇ.એસ.આઇ. દ્વારા નાપાક ષડયંત્ર તળે ઘાતકી આતંકવાદી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને તાલિબાનને ભારત પર હુમલા માટે સાથે લાવવાના પ્રયાસો આદર્યા છે.
બાલાકોટમાં ભારતીય વાયુદળના હવાઇ હુમલાથી ઘણા સમય પહેલાં જૈશ, તાલિબાન અને હક્કાની નેટવર્કના ટોચના કમાન્ડરોએ ભારત પર આતંકી હુમલા કરવા માટે પાકમાં ચૂપચાપ બેઠક કરી હતી તેવું એજન્સીઓ કહે છે. આ ગુપચુપ મળેલી બેઠકમાં ત્રણેય નાપાક આતંકી જૂથોના આતંકવાદીઓ ભારત વિરુદ્ધ `જેહાદ' છેડશે તેવી સહમતી સધાઇ હતી. આ બેઠક 15થી 20 ડિસેમ્બર વચ્ચે પાકમાં યોજાઇ હતી.
અમેરિકાના સાથી દળો અને અફઘાન દળો પર મોટા હુમલા કરનાર તાલિબાન ભારતના વિવિધ?ભાગોમાં મોટા આત્મઘાતી હુમલા કરવા માટે જૈશના આતંકીઓને તાલીમ આપશે તેવું બેઠકમાં નક્કી થયું હતું.
ગુપ્તચર તંત્રની બાતમી બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓ અફઘાનિસ્તાનમાં ભારતીયો અને ભારતીય મિશનો પર આતંકી હુમલાના જોખમ અંગે ચિંતિત બની છે.
પાકની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ ભારતમાં હિંસા ફેલાવવા જૈશ, તાલિબાન અને હક્કાની નેટવર્કની સાઠગાંઠ રચવા માટે લાંબા સમયથી આતુર હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer