છબિલ પટેલનો મિલકત તબદીલી માટેનો `દાવ'' વિફળ

ભુજ, તા. 16 : કચ્છ ભાજપના અગ્ર હરોળના નેતા જયંતીભાઇ ભાનુશાલીની હત્યાના હાઇ પ્રોફાઇલ કેસમાં કાવતરું ઘડનારા સૂત્રધાર છબીલ પટેલ દ્વારા પોતાની અને પરિવારના સભ્યોના નામે આવેલી વિવિધ ક્ષેત્રની મિલકતોને તબદીલ કરવા માટે ફેંકાયેલો `દાવ' સીટની ટુકડીના ધ્યાને આવી ગયા પછી કચ્છના વહીવટી તંત્રે આ પ્રયાસને હાલ તુરંત નાકામ બનાવ્યો છે. આ સંદર્ભમાં ઝડપભેર પગલાં લેવા સાથે જિલ્લાના મહેસૂલી તંત્રે એવી જડબેસલાક વ્યવસ્થા ગોઠવી છે કે આ પરિવારના કોઇપણ સભ્યના નામે રાજ્યભરમાં આવેલી કોઇ જ મિલકત અન્યના નામે થઇ ન શકે અને તેમના હક્કો ક્યાંય જતા ન કરી શકે. 
આધારભૂત સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, ભુજ તાલુકામાં રેલડી મોટી ગામના જુદા-જુદા દશ સર્વે નંબરમાં આવેલી ખેતીની જમીન ઉપરાંત માંડવી તાલુકામાં મઉં-રત્નાપર ખાતે આવેલી ખેતીની જમીન તથા અબડાસામાં ખીરસરા (વિંઝાણ), મિયાંણી અને રાયધણજર ખાતે આવેલી ખનિજ ઉત્ખન્ન માટેની લીઝ અન્યના નામે તબદીલ કરવાનો પ્રયાસ થયો હતો. તો, માંડવી સ્થિત અદ્યતન સેરેના બીચ હોટલમાંથી પોતાના હક્કો પરત ખેંચી લેવા માટેનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ આ સમગ્ર કાર્યવાહી અને યોજના હાલ તુરંત કડક હાથે કામ લઇને અટકાવી દેવામાં આવી છે. 
સાતમી જાન્યુઆરીના સયાજીનગરી ટ્રેનમાં જયંતી ભાનુશાલીની હત્યા થઇ તે પહેલાં અને ભારત છોડીને અમેરિકા ચાલ્યા જવા અગાઉ છબીલ પટેલ દ્વારા પોતાના નામે તથા પુત્ર સિદ્ધાર્થ અને પત્ની નયનાબેન અને પુત્રીના નામે તથા પરિવારના સભ્યોના સહિયારા નામે સરકારી ચોપડા ઉપર બોલતી મિલકતો અન્યના નામે તબદીલ કરવાનો પેંતરો અખત્યાર કરાયો હતો. આ માટે હક્ક જતા કરવાની અરજી પણ વિધિવત્ રીતે કરી દેવામાં આવી હતી અને આ માટે જરૂરી એવા સોગંદનામાં હિંમતનગર ખાતે એક એડવોકેટ-નોટરી પાસે કરાવાયાં હતાં. મહેસૂલી તંત્રના નિયમ મુજબ 35 દિવસના સમયગાળા બાદ આ નોંધો પ્રમાણિત થાય તેના બે દિવસ પહેલાં હત્યાકાંડના તપાસનીશોના ધ્યાને આ કારસો આવી જતાં આ પછી લેવાયેલાં ઝડપી અને પદ્ધતિસરનાં પગલાંએ મિલકત તબદીલીની આ મોટી યોજનાને ઊંધી વાળી નાખી હતી. 
હત્યાકેસની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી ખાસ તપાસ ટુકડી (સીટ)ના વડા ગૌતમ પરમારે આ બાબતે કચ્છ જિલ્લાના કલેક્ટર રેમ્યા મોહનને લેખિતમાં જાણ કર્યા બાદ જિલ્લાના વહીવટી તંત્રએ ઝડપભેર પગલાં લેવા સાથે હાલ તુરંત સમગ્ર કાર્યવાહીને જડબેસલાક રીતે થંભાવી નાખી છે. કલેક્ટર કચેરી સંલગ્ન સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, જિલ્લાના મહેસૂલી તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં આ વિશે વિધિવત્ રીતે જાણ કરી દેવામાં આવી છે અને ગુજરાતભરમાં ક્યાંય આ પરિવારના નામની કે હક્કની મિલકતો તબદીલ ન થાય તેમ જણાવાયું છે. તો, આ મિલકતો હાલે જે સ્થિતિમાં છે તેમ-જૈસે થે રાખવા જણાવાયું છે. 
દરમ્યાન, માહિતીગાર સૂત્રોએ પૂરક વિગતો આપતાં ઉમેર્યું હતું કે હત્યાકાંડમાં સૂત્રધાર તરીકે નામ ઊપસી આવ્યા પછી જારી કરાયેલી રેડકોર્નર નોટિસ અને મિલકત જપ્તી સહિતનાં ઉદ્ભવેલાં પરિબળોને લઇને સૂત્રધારે મિલકતો બચાવવા માટે આ પેંતરો રચ્યો હોવાનું મનાઇ રહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer