ઉદ્ધવ ઠાકરે પ્રચારમાં વ્યસ્ત

પુલ દુર્ઘટનાના ઘાયલોના ખબરઅંતર પૂછવાની ફુરસદ નથી

મુંબઈ, તા. 16 :  સીએસએમટી ખાતે પુલ હોનારતને અનેક કલાક વીતી ગયા છતાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ઘટના સ્થળની મુલાકાત લીધી નથી એટલું જ નહીં પણ તેમણે ઈજાગ્રસ્તોની તબિયતની પૂછપરછ સુધ્ધાં કરી નથી. તેના બદલે શિવસેનાએ `સામના'માં અગ્રલેખ મારફતે આ પુલ દુર્ઘટના અંગે વિવેચન કર્યું છે.
ઉદ્ધવ ઠાકરેએ `સામના'માં જણાવ્યું છે કે, આ દુર્ઘટના પછી સ્ટ્રક્ચરલ ઓડિટ વિશે પ્રશ્ન ઊભો થયો છે. અનેક લોકો માટેની માયાનગરી તાજેતરમાં `મૃત્યુની મુંબઈ' પુરવાર થઈ રહી છે. મુંબઈમાં ધક્કામુક્કીથી, બેદરકારીથી હંકારાતાં વાહનોથી, કુદરતી આફતથી, અકસ્માતથી, ભાંગફોડથી, બૉમ્બસ્ફોટથી અને આતંકવાદી હુમલાથી અનેક લોકો મરે છે. મુંબઈનો અનિયંત્રિત, વિસ્તાર, પુષ્કળ વસ્તીને કારણે નાગરી અને અન્ય સુવિધાઓ ઉપર પડનારી તાણ તેમ જ બગડેલા આયોજનને લીધે મુંબઈની સ્થિતિ સતત વણસી રહી છે. મુંબઈ પાલિકા, મહારાષ્ટ્ર સરકાર, મ્હાડા, એમએમઆરડીએ, પોર્ટ ટ્રસ્ટ, રેલવે, નેશનલ હાઈવે ઓથોરિટી જેવી સરકારી યંત્રણાઓ મુંબઈમાં એક સાથે વિવિધ કામ કરે છે. આ પુલમાં કોક્રિટનો હિસ્સો કેવી રીતે તૂટી પડયો ? પાલિકાએ માગેલી એન.ઓ.સી. રેલવેએ આપી હતી ? પુલનું સ્ટ્રક્ચરલ ઓડિટ થયું હતું ? અને તે અનુસાર સમારકામ થયું હતું ?  જો ન થયું તો શા માટે ન થયું ? એવા પ્રશ્નો પુછવામાં આવ્યા છે.
મુંબઈમાં કુલ 314 પુલ છે. તેમાંથી 40 નવા અને 274 અત્યંત જૂના છે. મધ્ય અને હાર્બર રેલવે માર્ગ ઉપર 125 રાહદારીઓ માટેના પુલ છે. તેમાંથી 18 પુલે સમયમર્યાદા વટાવી છે. તેના ઓડિટનું કામ શરૂ થયું છે. આમ છતાં સીએસએમટી પાસેના પુલની હોનારતને પગલે હવે પુલોના સ્ટ્રક્ચરલ ઓડિટ ઉપર પ્રશ્નો ઊભા થયા છે એમ અગ્રલેખમાં ઉમેરવામાં આવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer