વિવાદિત બનેલો રોજગાર ડેટા માસાંતે જારી થવા વકી

તજજ્ઞોની પેનલે કરી ચકાસણી:રિપોર્ટમાં વિલંબ પોસાય તેમ નથી, બે કરોડ રોજગારીનું વચન ફોક થયાની ટીકા તોળાય છે

નવી દિલ્હી, તા.16 : નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (એનએસએસઓ)નો વિવાદગ્રસ્ત જોબ્સ ડેટા, તજજ્ઞોની પેનલે તેનો સમગ્ર સેટ ચકાસી લીધા બાદ માસાંતે જારી  થશે એમ તેની સાથે સંકળાયેલા અધિકારીઓ જણાવે છે. ગયા મહિને સરકારે, બેરોજગારીને 4પ વર્ષના સર્વોચ્ચ સ્તરે બતાવતા રિપોર્ટને કવેળાનો (પ્રીમેચ્યોર)ગણાવી તે સામે અપવાદ ઉઠાવ્યો હતો.
તે વખતે નીતિ આયોગે આ રિપોર્ટ તો મુસદ્દો જ છે, ફાઈનલ નથી એમ જણાવ્યુ હતું. આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમારે જણાવ્યું હતું કે ફાઈનલ રિપોર્ટ માર્ચમાં જારી થશે.
રીલીઝ થવાની ચોકકસ તારીખ જણાવ્યા વિના અધિકારીએ જણાવ્યું હતું કે રિપોર્ટ મુસદ્દાને હાલ સ્થાયી સમિતિ ચકાસી રહી છે. તજજ્ઞોની પેનલ અગાઉ રિપોર્ટ ચકાસીને એવો મત આપ્યો હતો કે તેની મેથોડોલોજી (કાર્યપદ્ધતિ)ને વધુ ચકાસવાની જરૂર છે.
તજજ્ઞોએ એમ કહ્યું હોવાનું મનાય છે કે ડેટાના બે સેટની તુલના ન થઈ શકે કારણ કે '11-'12થી મેથોડોલોજીમાં ધરમૂળથી બદલાવ આવ્યો છે, જ્યારે રોજગાર/બેરોજગાર સર્વે પાંચ વર્ષે એકવાર પ્રકાશિત થતો.
દરમિયાન રિપોર્ટ જારી થવાની તાકીદ વધી છે કારણ કે '14ની સામાન્ય ચૂંટણીમાં અપાયેલા વચન મુજબ બે કરોડ રોજગારો સર્જવામાં સરકાર વિફળ ગઈ હોવા બદલ ટીકાકારો સરકાર પર તડાપીટ બોલાવતા હોવાથી મોટો વિવાદ સર્જાયો છે. એમાં વળી નેશનલ સ્ટેટિસ્ટકલ કમિશનના બે સભ્યોએ, સરકારે તેઓને બાયપાસ કર્યાનુ જણાવી રાજીનામાં આપ્યા.  નોટબંધી બાદ રોજગારીમાં તીવ્ર ઘટાડો થયાનું દર્શાવતો હોઈ ગયા ડિસે.માં બહાલ કરાયેલો એનએસએસઓ રિપોર્ટ સરકાર જારી કરતી નથી એવા આક્ષેપો વચાળે જોબ્સ ડેટાને લઈ મોટો રાજકીય કાદવઉછાળ પેલા બે સભ્યોના રાજીનામાને પગલે શરૂ થયો હતો.
એનએસએસઓના જોબ્સ ડેટા કેબિનેટે બહાલ કરવાની જરૂર હોવાના દાવાને તજજ્ઞોએ ફગાવી દીધો હતો. મુદ્રા યોજના સાથે સંકળાયેલા જોબ્સ સર્વેનાં પરિણામો જાહેર કરવા સરકારે નિર્ણય કર્યા બાદ નવેસરથી શંકાઓ ઉઠાવાઈ.
રોજગારીઓની સંખ્યા જારી કરવામાંનો વિલંબ મોટો મુદ્દો બની ગયો છે કારણ કે આશરે એકસો પીઢ ભારતીય અને વિદેશી અર્થશાત્રીઓ પ્રતિકુળ ડેટાને દબાવી રાખવાના પ્રયાસ ગણાવીને આ પગલા અંગે ચિંતા વ્યકત કરતા રહ્યા છે.
લોકસભા ચૂંટણીની હાલની પ્રચારઝુંબેશમાં ય રોજગારીઓનો મુદ્દો મોટા ડિબેટીંગ પોઈન્ટ બની રહેવા શકયતા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer