મુંબ્રામાંથી હલકી ક્વૉલિટીના લાખો રૂપિયાના નૂડલ્સ જપ્ત

અસ્વચ્છ પરિસરમાં તૈયાર કરવામાં આવતી આ ખાદ્ય સામગ્રીની તપાસ થશે

થાણે, તા. 16 : ચાની ભૂકી પછી નૂડલ્સ તૈયાર કરતી કંપની પર થાણે અન્ન અને ઔષધ પ્રશાસન (એફડીએ)એ મુંબ્રામાં છાપો મારીને લાખો રૂપિયાના નૂડલ્સ જપ્ત કર્યા છે. નૂડલ્સ અને ખાદ્ય રંગનાં સૅમ્પલ લઈને એને તપાસ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યાં છે. એનો અહેવાલ આવ્યા બાદ આગળ કાર્યવાહી કરવામાં આવશે. 
જકાતનાકા પાસે આવેલા શીળફાટા પાસે મેસર્સ કિંગ ચાઉ કંપનીના ગંદા પરિસરમાં તૈયાર કરવામાં આવતા નૂડલ્સના એક કિલો, પાંચ કિલો અને દસ કિલોનાં પૅકેટ બનાવીને એ હૉટેલ અને ચાઇનીઝની રેંકડીઓ પર વેચવામાં આવતા હોવાની માહિતી એફડીએને મળી હતી એટલે થાણે અન્ન સુરક્ષા અધિકારીઓની ટીમે મુંબ્રાની કંપની પર 7 માર્ચે છાપો માર્યો હતો. એ વખતે ત્યાં ગંદકીભર્યા પરિસર સહિત લેબલ વિના પૉલિથિનની બૅગમાં નૂડલ્સ પૅક કરીને એનું વેચાણ કરવામાં આવતું હોવાણી જાણવા મળ્યું હતું. ત્યારે 5,80,725 રૂપિયાના કલર કરેલા 4005 કિલો નૂડલ્સ અને 93,960 રૂપિયાની કિંમતના 688 પૅકેટ જપ્ત કરીને કુલ 6.74 લાખ રૂપિયાના નૂડલ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. 
આ બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે અને સંબંધિત કંપની તેમ જ લોકો વિરુદ્ધ કેસ કરવામાં આવશે એવી ખાતરી અન્ન સુરક્ષા અધિકારીએ આપી હતી. કલમ 23, 26 અને 27નો ભંગ થયો હોવાથી દંડ પણ ફટકારવામાં આવશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer