શહેરમાં નેપાળી ગાર્ડ અંગદાન કરનારો પ્રથમ વિદેશી બન્યો

મુંબઈ, તા. 16 : નેપાળનો સિક્યૉરિટી ગાર્ડ શહેરમાં અંગદાન કરનારો પ્રથમ વિદેશી નાગરિક બન્યો હતો.
નવી મુંબઈમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરતા 62 વર્ષના નેપાળી નાગરિક રુક બહાદુરના પરિવારે તેમને બ્રેઇન-ડેડ જાહેર કર્યા બાદ તેના શરીરનું દાન કરવાની મંજૂરી આપી હતી. તેની બે કિડની બે જુદા-જુદા દરદીઓને દાન કરવામાં આવી હતી.
અત્યાર સુધીમાં આ મહિનામાં શહેરમાં પાંચ શરીર દાનમાં આપવામાં આવ્યાં છે અને આમ આ વર્ષમાં અત્યાર સુધીમાં આ સંખ્યા 25ની થઈ છે. 2018માં કુલ 48 શરીર દાન આપવામાં આવ્યાં હતાં.
શુક્રવારના આ અંગદાન સંબંધમાં નેરુળની અપોલો હૉસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 10 માર્ચે રુક બહાદુરને માથામાં ગંભીર ઈજા સાથે અમારી હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તેને આંતરિક રક્તસ્રાવ થયો હતો એના પરિણામે મગજને નુકસાન થતાં તેને 13 માર્ચે બ્રેઇન-ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. નેપાળથી આવેલી તેની પત્ની અને પુત્રે તેના શરીરનાં અંગોનું દાન કરવાની સંમતિ આપી હતી.
જોકે આમ જોવા જઈએ તો રુક બહાદુર ભારતમાં અંગદાન કરનારો પ્રથમ વિદેશી નથી. થોડા વર્ષ પહેલાં ફ્રાન્સના એક નાગરિકના પરિવારે તેનું અંગદાન દિલ્હીમાં કર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer