પરેશ રાવલના સ્થાને મનોજ જોષીને ઊભા રાખવા સામે પણ વિરોધ

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.16: અમદાવાદ પૂર્વની લોકસભા બેઠક પર ભાજપના વર્તમાન સાંસદ પરેશ રાવલના બદલે મનોજ જોષીને ટિકિટ આપવાની હિલચાલ સામે સ્થાનિક આગેવોનોએ નિરીક્ષકો સમક્ષ ભારે વિરોધ નોંધાવ્યો છે અને આ બેઠક પર સ્થાનિક ઉમદેવાર મૂકવાની રજૂઆત કરી છે. 
અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલ પક્ષના કાર્યક્રમોમાં અપેક્ષિત હોવા છતાં સતત ગેરહાજર રહેતા હોવાથી પ્રદેશ ભાજપે પણ તેની ગંભીર નોંધ લીધી હતી. આ ઉપરાંત સાંસદ બન્યા બાદ પરેશ રાવલ પોતાના મતવિસ્તાર  માટે સમય નહીં ફાળવી શકતા હોવાથી કાર્યકરો અને આગેવાનોમાં નારાજગી હતી અને આ અંગે તેઓએ ભાજપમાં રજૂઆતો પણ કરી હતી. જો કે આ મામલે અગાઉ પરેશ રાવલે ફિલ્મોની વ્યસ્તતાને કારણે મતવિસ્તારમાં સમય ફાળવી શકતા ન હોવાથી તેમણે ફરીથી ચૂંટણી નહીં લડવા માટેનો નિર્ણય પક્ષના હાઇકમાન્ડને જણાવી દીધો હતો. 
દરમિયાન અમદાવાદ પૂર્વની બેઠક માટે હવે પરેશ રાવલના સ્થાને બીજા ફિલ્મ કલાકાર મનોજ જોષીને ટિકિટ આપવાની હિલચાલ શરૂ થતા કાર્યકરો અને આગેવાનોએ વિરોધ વ્યક્ત કરી અમદાવાદના સ્થાનિકને ટિકિટ આપવા માટે માગણી કરી હતી. પાટીદાર આગેવાનેએ અમદાવાદ પૂર્વમાં સૌથી વધુ પાટીદાર મતદારો હોવાથી પાટીદાર ઉમેદવારને ટિકિટ આપવા રજૂઆત કરી હતી જ્યારે હિંદીવાસી મતદારો પણ વધુ હોવાથી તેને અનુલક્ષીને હિંદીભાષીને ટિકિટ ફાળવવામાં આવે તેવી પણ રજૂઆત કરાઇ હતી. આ સાથે સિંધી અને ઓબીસી મતદારો પણ આ મતવિસ્તારમાં મોટા પ્રમાણમાં છે ત્યારે નરોડા, ઠક્કરબાપાનગર, બાપુનગર અને નિકોલ બેઠકના આગેવાનોએ પરેશ રાવલના સ્થાને મનોજ જોષીના બદલે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવા રજૂઆત કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer