સરકાર દ્વારા કઠોળ-તેલીબિયાંનું પ્રોક્યુરમેન્ટ લક્ષ્યાંક કરતાં 55 ટકા નીચું

નવી દિલ્હી, તા. 16 : 45 લાખ ટનનો પાછલો સ્ટૉક ધરાવવા સાથે સરકારે ખરીફ સિઝન માટે અત્યાર સુધીમાં 17 લાખ ટન કઠોળ અને તેલીબિયાંનું પ્રોક્યુરમેન્ટ કર્યું હતું જે 38 લાખ ટનના પ્રોક્યુરમેન્ટના લક્ષ્યાંક કરતાં 55 ટકા ઓછું ગણાય. ગયા વર્ષે સરકારે 25.5 લાખ ટન કઠોળ - તેલીબિયાંની ખરીદી કરી હતી. જે ઉનાળુ પાક 33.6 લાખ ટનના 75 ટકા બરોબર ગણાય.
કઠોળ - તેલીબિયાંના શિયાળુ પાકનું પ્રોક્યુરમેન્ટ ચાલુ છે જે માટે સરકારે 43 લાખ ટનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ગયા રવી તથા શિયાળુ પાકની સિઝનમાં તેના 55 લાખ ટનના પ્રોક્યુરમેન્ટના લક્ષ્યાંકના 40 લાખ ટનની ખરીદી કરી હતી.
પ્રોક્યુરમેન્ટ ઓછું રહેવાના કારણમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તુવેરદાળનું નીચું ઉત્પાદન કારણરૂપ મનાય છે, એમ નેશનલ એગ્રીકલ્ચરલ કો-અૉપરેટીવ માર્કેટમાં ફેડરેશન અૉફ ઇન્ડિયા (નાફેડ)ના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું. આ એજન્સી કઠોળ તેલીબિયાની લઘુતમ ટેકાના ભાવે (એસએસપી) ખરીદી કરે છે.
સરકારે કઠોળ - તેલીબિયાંની ખરીદી પાછળ 2018-'19માં રૂા. 9372 કરોડ ખર્ચ્યા છે જે 12,38,547 ખેડૂતો પાસેથી ખરીફ સિઝનમાં ખરીદવામાં આવ્યા હતા.
છેલ્લાં ત્રણ વર્ષથી સરકાર કઠોળની ખરીદી માટે ભારે આક્રમક રહી છે. આ વર્ષે અમે 45 લાખ ટનના `બેલેન્સ્ડ' સ્ટૉક પર નજર રાખી રહ્યા છીએ જેથી તેના ભાવ રેન્જ બાઉન્ડ રહે. હવે ભાવનું સમતોલપણું જાળવવું એક પડકાર સમાન છે. ભાવમાં તીવ્ર ઘટાડાને લઈને ખેડૂતોને સહન કરવાનું આવશે. નાફેડ દ્વારા પ્રોક્યુરમેન્ટ ઓછું રહેતા ખુલ્લાં બજારમાં કઠોળ તેના લઘુતમ ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂા. 4320 સામે ખેડૂતો રૂા. 4100 - 4200ના ભાવે વેચી રહ્યા છે. આ જ પ્રમાણે ખેડૂતો દ્વારા ખુલ્લાં બજારમાં મગ ક્વિન્ટલ દીઠ રૂા. 4000ના ભાવે વેચાય છે જ્યારે તેનો એમએસપી રૂા. 6975નો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer